
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા પશુપાલકો માટે ‘વૈજ્ઞાનિક ઢબે વાછરડી અને વોડકીઓનું વ્યવસ્થાપન’ વિષય પર વેટરનરી કોલેજ, નવસારી ખાતે વિશેષ તાલીમ અપાઈ
પશુ વિજ્ઞાન કેન્દ્ર (પી.વી.કે.), વઘઈ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી કેમ્પસ દ્વારા “વૈજ્ઞાનિક ઢબે વાછરડી અને વોડકીઓનું વ્યવસ્થાપન” વિષય આધારિત એક દિવસીય (ઓન કેમ્પસ) તાલીમ કાર્યક્રમ તારીખ ૧૧ ડીસેમ્બર, ૨૦૨૫ ના રોજ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી કેમ્પસ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ તાલીમમાં ડાંગ જિલ્લાનાં, સુબીર તથા આહવા તાલુકાના કુલ ૭૫ પશુપાલકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત ડૉ. વી. એસ. ડબાસ (આચાર્યશ્રી, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) દ્વારા પશુપાલકોના સ્વાગત અને સન્માનથી કરી હતી. ડૉ. એમ. એમ. ઇસ્લામ (ઇ/ચા. પીવીકે-વઘઈ ) દ્વારા પશુ વિજ્ઞાન કેન્દ્રના વિવિધ ઉદેશો અને કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ, વિવિધ નિષ્ણાંતો દ્વારા પશુપાલકોને મહત્વપૂર્ણ મુદ્દાઓ જેવા કે, વૈજ્ઞાનિક ઢબે વાછરડી અને વોડકીઓની માવજત, રહેઠાણ વ્યવસ્થાપન, પોષણ અને સ્વાસ્થ્ય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, પશુપાલકોને કામધેનુ વિશ્વવિદ્યાલય હેઠળના પશુ સંશોધન કેન્દ્ર ખાતે લઇ જઈ ટીટ ડીપ કપનું પ્રદર્શન (પ્રેક્ટિકલ ડેમો) પણ કરવામાં આવ્યું હતું. તાલીમના અંતે, ડૉ. એમ. પી. માઢવાતર અને ડૉ. ઉત્સવ સુરતી દ્વારા ઉપસ્થિત પશુપાલકો પાસેથી પ્રશ્નો અને મૂંઝવણો સાંભળી તેઓના પ્રશ્નોના નિરાકરણ આપવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન પશુપાલકોને પ્રોત્સાહનના ભાગરૂપે કિટનું (પશુપાલન વિષય આધારિત સાહિત્ય, ટીટ ડીપ કપ, મીનરલ મિકસ્ચર અને બેગ) વિતરણ પણ કરવામાં આવ્યું, જે પશુપાલકો માટે ખુબજ લાભદાયી સાબિત થશે.
આ સમગ્ર કાર્યક્રમ ડૉ. એમ. પી. માઢવાતર અને ડૉ. ઉત્સવ સુરતી (તાલીમ સહ-સંયોજક) દ્વારા, ડૉ. એમ. એમ. ઇસ્લામ (ઇન્ચાર્જ, પી.વી.કે., તાલીમ સંયોજક) ના નેતૃત્વમાં અને ડૉ. વી. એસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી, તાલીમ સંયોજક) તથા ડૉ. જે. એસ. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પશુપાલકોને પશુપાલન તરફ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભરતાની દિશામાં પ્રેરણા આપે છે





