
વાત્સલ્યમ્ સમાચારમાં
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ગાંધીધામમાં શ્રી ધણી માતંગદેવની ૧૨૭૩મી જન્મજયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી: ભવ્ય શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીની પ્રેરક ઉપસ્થિતિ: સેક્ટર સાત મહેશ્વરી સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો અને સમૂહ પ્રસાદનું સુંદર આયોજન
ગાંધીધામ:
સેક્ટર સાત મહેશ્વરી સમાજ – ગાંધીધામ દ્વારા પરમ પૂજ્ય શ્રી ધણી માતંગદેવની ૧૨૭૩મી જન્મજયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગત તારીખ ૦૪-૦૨-૨૦૨૬ના રોજ ગાંધીધામના મુખ્ય બજારમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં સમસ્ત મહેશ્વરી સમાજના ભાઈ-બહેનો અને ધર્મગુરુઓ પરંપરાગત શૈલીમાં જોડાયા હતા. સાગરના મોજાની જેમ ઉમટી પડેલા માનવ મહેરામણે શહેરના માર્ગો પર ભક્તિમય માહોલ સર્જ્યો હતો.
આ મહોત્સવના ભાગરૂપે માગ માસ દરમિયાન માગસ્નાન વ્રત રાખનાર વ્રતધારીઓ, જેમાં હરમહીશ્વર વિવેકભાઈ મતિયા, સંઘમુખી રામજીભાઈ બારા સહિતના શ્રદ્ધાળુઓએ શ્રી લુણંગદેવની સાક્ષીએ તપ-આરાધના કરી હતી. તારીખ ૦૫-૦૨-૨૦૨૬ના રોજ સેક્ટર સાત ખાતે આ ધાર્મિક વિધિની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ધર્મગુરુ શ્રી પ્રકાશભાઈ મતિયા અને વિવેકભાઈ મતિયાના માર્ગદર્શન હેઠળ ‘બારમતી પંથ’ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન કે. મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રેબિન કાપીને શ્રી ગણેશ દાદાના હિંડોળા પૂજન તેમજ સમૂહ પ્રસાદનો દીપ પ્રગટાવી શુભારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ વી. મહેશ્વરીએ પણ હાજરી આપી બારમતી પંથનો ધર્મલાભ લીધો હતો. બંને મહાનુભાવોએ સેક્ટર સાત સમાજના પ્રમુખ કરસનભાઈ દનિચા અને તેમની ટીમની સરાહનીય કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
આ ધાર્મિક મહોત્સવમાં સમાજના અગ્રણીઓ સર્વશ્રી સુરેશભાઈ ગરવા, ગોવિંદભાઈ નિજાર, પૂર્વીબેન મેઘાણી, દિનેશભાઈ મહેશ્વરી (પૂર્વ પ્રમુખ), ડી. ડી. રોશિયા (DTP મેનેજર), ભારમલભાઈ ગરવા તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રીનાબેન રોંશિયાએ શિક્ષણ અને નોકરીના મહત્વ વિશે પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અન્નદાન અને રોકડ રકમ આપનાર દાતાશ્રીઓનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ કરસનભાઈ પી. દનિચા, અર્જુનભાઈ માંગલિયા, અશોકભાઈ રોસિયા સહિતની કારોબારી ટીમ અને વડીલોએ ભારે જેહમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શામજીભાઈ ફુફલ અને શ્યામભાઈ જટ દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધીધામ શહેરમાં સામૈયું શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરી અપ્રતિમ એકતા દર્શાવવા બદલ સમાજના મહામંત્રી શ્રી મેઘજીભાઈ દનિચાએ તમામ ભાઈ-બહેનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. એવું સમાજના મહામંત્રી મેઘજીભાઈ દનિચાએ એક યાદીમાં જણાવ્યું હતું.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




