પંચમહાલ જિલ્લામાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમની ઉજવણી

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા 

પંચમહાલ જિલ્લામાં બાળ વિવાહના સામાજિક દૂષણને નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે ૧૦૦ દિવસીય ‘બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, પંચમહાલના સંયુક્ત ઉપક્રમે, જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રનની સહયોગી સંસ્થા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો.
આ અભિયાન અંતર્ગત, જિલ્લાની કે.જી. પરમાર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા, સાંકલીના ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બાળ લગ્ન એક સામાજિક દૂષણ હોવા અંગે, બાળ અધિકારોનું મહત્વ અને બાળ વિવાહથી થતી ગંભીર માઠી અસરો વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. દરેક બાળક શિક્ષણ પ્રાપ્ત કરી પોતાનો વિકાસ કરી શકે તે વિશે સમજણ આપી, વિદ્યાર્થીઓને બાળ લગ્ન ન કરવા અને તેને રોકવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારી, ચેરમેન ચાઇલ્ડ વેલ્ફેર કમિટી, પ્રોગ્રામ ઓફિસર (ગ્રામ વિકાસ ટ્રસ્ટ), મહિલા અને બાળ કચેરીના અધિકારીઓ, પોલીસ સ્ટેશન ગોધરાના અધિકારીઓ, તથા શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં, કાલોલ અને ગોધરા તાલુકાના ગામોમાં ગ્રામજનો સાથે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા ગ્રામજનોને બાળ વિવાહ મુક્ત ગામ બનાવવા માટે સક્રિયપણે જાગૃત કરવામાં આવ્યા હતા.






