પંચમહાલ જિલ્લાના સરકારી કર્મચારીઓ માટે વિશેષ સેલરી એકાઉન્ટ અર્થે બેંક ઓફ બરોડા સાથે સમજૂતી કરાર(એમઓયુ) સાઇન કરાયા
એમઓયુ અંતર્ગત ખતાધરકોને વિનામૂલ્યે મૃત્યુ અને અકસ્માત વીમો, ઓવરડ્રાફ્ટ, લાઇફટાઇમ ફ્રિ પ્લેટીનમ ડેબિટ કાર્ડ તથા લોનના વ્યાજ દરોમાં રાહત જેવા લાભ મળી શકશે
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના હજારો સરકારી શિક્ષકો અને કર્મચારીઓના નાણાકીય હિતોને ધ્યાનમાં રાખીને આજે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને બેંક ઓફ બરોડા વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ, બેંક ઓફ બરોડા દ્વારા સરકારી કર્મચારીઓને અનેક વિધ વિશિષ્ટ લાભો સાથે સેલરી એકાઉન્ટની સુવિધા પૂરી પાડવામાં આવશે.
આ સમજૂતી કરાર પર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કીર્તિ પટેલ અને બેંક ઓફ બરોડાના રિજનલ મેનેજર શ્રી કૌશલ કિશોર પાંડે દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બંને સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓને શ્રેષ્ઠ બેંકિંગ સુવિધાઓ પૂરી પાડીને તેમની નાણાકીય સુરક્ષા અને સમૃદ્ધિમાં વધારો કરવાનો છે.
આ કરાર અંતર્ગત સરકારી કર્મચારીઓને સેલરી એકાઉન્ટની મુખ્ય વિશેષતાઓ હેઠળ અનેક શાનદાર સુવિધાઓનો લાભ મળશે. કર્મચારીઓ હવે કોઈપણ પ્રકારના ન્યૂનતમ બેલેન્સની ચિંતા વગર ઝીરો બેલેન્સ એકાઉન્ટ જાળવી શકશે અને તેમને આજીવન ફ્રિ પ્લેટિનમ ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે. આ સાથે ATM પરથી અમર્યાદિત અને મફત વ્યવહારો કરવાની સ્વતંત્રતા મળશે. નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે રૂપિયા ૧.૫ લાખ સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા તેમજ હોમ, ઓટો અને પર્સનલ લોન પર વિશેષ વ્યાજ દરોનો લાભ પણ સામેલ છે.
સુરક્ષાની દ્રષ્ટિએ, આ ખાતાધારકોને વિનામૂલ્યે રૂપિયા ૧ કરોડ સુધીનો અકસ્માત મૃત્યુ વીમો અને રૂપિયા ૧.૨૫ કરોડ સુધીનું એક્સિડન્ટ કવર મળશે. વધુમાં રૂપિયા ૨૫ લાખ સુધીનું ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ અને બાળકોના ભવિષ્ય માટે રૂપિયા ૧૦ લાખ સુધીનું શૈક્ષણિક કવર પણ આ પેકેજનો ભાગ છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે તમામ UPI ટ્રાન્ઝેક્શન પર ૧% કેશબેક આપવામાં આવશે. આ ઉપરાંત, બેંક લોકરના વાર્ષિક ભાડા પર ૨૫% સુધીની છૂટ અને નિષ્ણાતો દ્વારા રોકાણ તેમજ ટેક્સ પ્લાનિંગ માટે મફત માર્ગદર્શન જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ સમજૂતી કરાર જિલ્લાના કર્મચારીઓની નાણાકીય સુખાકારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને બેંક ઓફ બરોડા દ્વારા પૂરી પાડવામાં આવતી વ્યાપક સુવિધાઓ કર્મચારીઓને નાણાકીય રીતે વધુ સુરક્ષિત અને સશક્ત બનાવશે.