
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
*અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોડાસામાં ભવ્ય મહિલા સંમેલનની ઉજવણી*
*મહિલા સશક્તિકરણનો ઉજાસ: મોડાસામાં યોજાયું વિશેષ મહિલા સંમેલન*
*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: અરવલ્લીમાં ઉદ્યમી મહિલાઓનું ઉત્સાહભેર સન્માન*
અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મોડાસા ખાતે એક વિશેષ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણ તથા સમાનતાના મહત્વને રેખાંકિત કર્યું હતું
કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી હસીના મન્સૂરીએ હાજર મહિલાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ સંમેલન મહિલાઓની પ્રતિભા, સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાનને માન આપવા તથા તેમને વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર એ મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં મહિલાઓની પ્રગતિ અને તેમના અધિકારોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મહિલાઓનું સશક્તિકરણ એ જિલ્લા અને રાષ્ટ્રના વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે. સરકાર વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધારવા પ્રતિબદ્ધ છે.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે જિલ્લાની ઉદ્યમી મહિલાઓ, કર્મયોગીઓ તથા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સખી મંડળની મહિલાઓ, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા માહિતી વિભાગના સહાયક માહિતી અધિકારી અને માહિતી મદદનીશ, રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગના પ્રાંત અધિકારીશ્રી તેમજ સંગીત, લેખન અને રમતગમતમાં અગ્રેસર રહીને વિવિધ સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓને સન્માન પત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ મહિલા બાળ વિભાગની અને અન્ય વિભાગની યોજનાકીય સહાયવિતરણ પણ કરવામાં આવી.આ સન્માનથી હાજર મહિલાઓમાં નવો ઉત્સાહ અને પ્રેરણા જોવા મળી હતી.







