વાગરા: જવેલર્સની દુકાનમાં લૂંટ કરનાર આરોપી ગણતરીના સમયમાંજ પોલીસના સકંજામાં, ઓનલાઈન ગેમમાં રૂપિયા હાર્યો હોવાથી લૂંટનો પ્લાન રચ્યો..
સમીર પટેલ, ભરૂચ
ગુનેગારને ઝડપી પાડવા વાગરા પોલીસે રાત દિવસ એક કરી નાંખ્યા..
વાગરા પોલીસને સોનાની લૂંટમાં મોટી સફળતા મળી..
પોલીસે રોઝા ટંકારીયાથી એક ઈસમને ઝડપી લીધો..
આરોપી દશ લાખ રૂપિયા સત્તામાં અને ઓનલાઈન ગેમિંગમાં હારી જતા લૂંટનો પ્લાન રચ્યો..
ઝવેલર્સની દુકાનમાં થયેલ લૂંટમાં પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારુંને દબોચી લીધો:- વાગરાના બજારમાંથી ગત સોમવારના રોજ બપોરના સમયે સોનાની લૂંટનો બનાવ બનતા લૂંટ ચલાવનાર ઈસમની શોધમાં પોલીસે રાત દિવસ એક કરી નાંખ્યા હતા. જો કે સમયસર કરેલ મહેનત વાગરા પોલીસને ફરી હતી. પોલીસે વાગરા નજીકના એક ગામમાંથી ગણતરીના કલાકોમાંજ એક ઈસમને ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી હતી. પોલીસે કરેલ કામગીરીની ચારેકોરથી પ્રસંશાઓ થઈ રહી છે. વાગરાના હૃદય સમાન વિસ્તારમાં ગત સોમવારની બપોરે એક સોનીની દુકાનમાંથી સોનાની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. લૂંટને પગલે વાગરા પંથકમાં સોંપો પડી ગયો હતો. ધોળે દિવસે અને ધમધમતા બજારમાં થયેલ લૂંટને પગલે પોલીસ હરકતમાં આવી હતી. વાગરા પી.આઈ એસ.ડી ફુલતરીયા તેમની ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતુ. પોલીસે સોનુ લૂંટી ફરાર થનાર લૂંટારું કઈ દિશામાં ભાગ્યો છે? એ તરફના કેમેરા ચકાસી ગુનેગારને ઝડપી પાડવા કમર કસી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સને આધારે કરેલ કામગીરીને કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સરળતા રહી હતી. પોલીસે આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામના રાકેશ જશુભાઈ પ્રજાપતિ ઉ.વ ૩૦ ને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો. વાગરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. અને તેણે વાગરા સોનીની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. અને જણાવ્યું હતું, કે પોતે ઓનલાઈન ગેમિંગ અને સત્તાના રવાડે ચડી જતા દશ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેને પગલે ગુમાવેલા પૈસા રિકવર કરવા વાગરા બજારમાં આવેલ ઓમ ઝવેલર્સ નામની સોનીની દુકાનને નિશાન બનાવી હતી. સોનીની દુકાનમાંથી લૂંટ ચલાવી લીધેલા તમામ દાગીના જેની કિંમત ૩.૬૫ લાખ તેમજ મોટરસાઇકલ અને મોબાઈલ મળી કુલ ૪.૩૫ લાખનો મુદ્દમાલ પોલીસે કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સોનીની આંખોમાં મરચું નાખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો:- ઘટના અંગે વિગતે વાત કરીએ તો ગત 19 મી મેં સોમવારના રોજ બપોરના લગભગ 1:13 વાગ્યાના અરસામાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જવેલર્સ નામની સોનીની દુકાનમાં બુકાની ધારણ કરીને એક અજાણ્યો ઇસમ આવ્યો હતો. જેણે સોનાના દાગીના ખરીદવાની વાત કરી હતી. અને દાગીના જોવા માંગ્યા હતા. ત્યાર બાદ સોનીને કામમાં વ્યસ્ત કરી ટેબલ ઉપર રહેલા દાગીના આંચકી લઈ સોનીની આંખોમાં મરચાની ભૂકી નાખીને રફુચક્કર થઈ ગયો હતો. અંદાજીત 4.5 લાખનો મુદ્દામાલ લૂંટારું ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ધોળા દિવસેજ ભરચક વિસ્તારમાં બનેલ લૂંટની ઘટનાએ પંથકમાં ભારે ચકચાર મચાવી હતી. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ મથકના P.I એસ.ડી ફુલતરિયા સહિત ભરૂચ LCB, જંબુસર ડિવિઝનના DYSP સહિતના અધિકારીઓ પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા. અને સ્થળ તપાસ કરી લૂંટારુંને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું:-પોલીસે તમામ વિસ્તારના CCTV ફૂટેજ તપાસ કરી આરોપીનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી. હ્યુમન સોર્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સની પણ મદદ મેળવી હતી. સતત પેટ્રોલિંગ, CCTV એનાલિસિસ તેમજ અંગત સૂત્રોની મદદ બાદ આખરે આરોપી સુધી પહોંચવામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી. પોલીસે રોજા ટંકારીયા ખાતેથી રાકેશ જશુભાઈ પ્રજાપતિ નામના ઇસમની અટકાયત કરી હતી. પોલીસે આરોપીની યુક્તિપ્રયુક્તિથી ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો. અને કેફિયત આપતા જણાવ્યું હતું, કે તે પોતે રોજા ટંકારીયા ગામનો રહેવાસી છે. અને કંપનીમાં નોકરી કરે છે. તે ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢી રૂપિયા હારી ગયો હતો. અને દેવું થઈ ગયું હતું. જેથી તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અને લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
દુકાનદારની બેદરકારીના કારણેજ લૂંટારુંએ ઘટનાને અંજામ આપ્યો? :- ઉલ્લેખનીય છે, કે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં જણાય આવ્યું હતું, કે એક બ્લ્યુ શર્ટ, લાલ કેપ, અને મોઢા ઉપર બુકાની ધારણ કરી ગ્રાહક બનીને એક ઇસમ સોનીની દુકાનમાં પ્રવેશ કરે છે. ત્યાર બાદ એ સોનીના કાઉન્ટરની સામેની ખુરશી ઉપર બેસે છે. અને સોનાના દાગીના જોવા લાગે છે. ત્યાર બાદ તે કાઉન્ટર ઉપર પડેલ દાગીના પોતાના હાથમાં લે છે. ત્યાર બાદ ખિસ્સામાંથી મરચાનો પાવડર કાઢે છે. અને સોનીના મોઢા ઉપર મરચા પાવડર છાંટીને દુકાનની બહાર તરફ ભાગે છે. જોકે સોની પર તરતજ તેની પાછળ ડોટ મૂકે છે. પરંતુ ત્યા સુધી તો તે અજાણ્યો ઇસમ રફુચક્કર થઈ જાય છે. નોંધનીય બાબત છે, કે સમગ્ર ઘટનાક્રમના CCTV ફૂટેજ જોતા ક્યાંકને ક્યાંક દુકાનદાર સોનીની પણ બેદરકારી જણાય આવે છે. કારણ કે બુકાની ધારણ કરીને દુકાનમાં પ્રવેશ કરનાર વ્યક્તિના મોઢા ઉપરથી બુકાની હટાવવાની તસ્દી કેમ ન લીધી? વધુમાં દુકાનમાં આવનાર વ્યક્તિ શંકાસ્પદ હતો જે ફુટેજમાં સ્પષ્ટ જણાય આવે છે. તેમ છતાં સોની પોતાના મોબાઈલમાંજ મગ્ન હોવાને કારણે લૂંટારું ઇસમે સહેલાઈથી આ ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્યો હોવાની વાત પણ નગરમાં ચર્ચાઈ રહી છે. જોકે પોલીસની સતત મહેનત અને સતર્કતાને કારણે ગણતરીના કલાકોમાંજ આરોપી જેલ ભેગો થયો છે. વાગરામાં બનેલ લૂંટની ઘટનાને પગલે લોકોમાં પણ ભયનો માહોલ ઉદ્ભવયો હતો. કારણ કે લગભગ વાગરામાં આવો પ્રથમ બનાવ બન્યો હતો. કે સતત લોકોની અવરજવરથી ધમધમટા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટનાએ નગરજનો સહિત પોલીસની પણ ઊંઘ હરામ કરી હતી. જોકે આખરે ગુનો ડિટેકટ થઈ જતા પોલીસે પણ હાશકારો અનુભવ્યો હતો. જરૂરી કાર્યવાહી બાદ જંબુસર ડિવિઝનના DYSP પી.એલ ચૌધરીનાઓએ વાગરા પોલીસ મથક ખાતે પ્રેસકોન્ફોરન્સના માધ્યમથી સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.
વેપારીઓએ સતર્ક રહેવાની જરૂર : પી.એલ. ચૌધરી ,ડીવાયએસપી – જંબુસર:- વાગરા જવેલર્સની લૂંટના બનાવમાં સોનીની બેદરકારી પણ સી.સી.ટી.વી. માં સ્પષ્ટ નજરે પડી હતી. જેને લઈને લૂંટારું સોનાના દાગીના લૂંટવામાં સફળ રહ્યો હતો. આ બાબતની ગંભીરતાને લઈ જંબુસર ડી.વાય.એસ.પી એ સમસ્ત વેપારી સમાજને સતર્ક રહેવા જણાવ્યુ હતુ. અને ચોકસાઈ કરી જો કોઈ શંકાસ્પદ જણાય તો પોલીસનો સંપર્ક કરવા આહવાન કર્યું હતુ.
સટ્ટો અને ઓનલાઈન ગેમિંગમાં 10 લાખ ગુમાવતા યુવક લૂંટના રવાડે ચઢ્યો:- ટેકનોલોજી જેમ-જેમ આગળ વધી રહી છે. તેમ-તેમ તેના સારા નરસા પાસા પણ ઉજાગર થઈ રહ્યા છે. એમાંયે ખાસ કરીને નાનાથી લઈ મોટા લોકો ઓનલાઈન ગેમમાં પૈસા બનાવવાના ચક્કરમાં પૈસા ગુમાવી રહ્યા છે. જયારે મોટા ભાગના લોકો હાથ ઉછીના રૂપિયા પણ લઈ ગેમ રહી રહ્યા છે. ઓનલાઈન ગેમિંગનો આમોદના રોઝા ટંકારીયા ગામનો યુવક ભોગ બન્યો હતો. ઓનલાઈન ગેમિંગ અને સત્તામાં રાકેશ પ્રજાપતિએ દશ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. ગુમાવેલા રૂપિયા કવર કરવા માટે રાકેશે વાગરામાં સોનીની દુકાનમાં લૂંટનો પ્લાન ઘડી કાઢી ગુનાને અંજામ આપ્યો હતો.
*જાહેર સ્થળોએ CCTV કેમેરા લગાવવા જરૂરી* :- વાગરામાં બનેલ આ ઘટના બાદથી નગરજનો સહિત દરેક દુકાનદારોએ પણ જાગૃત થવાની જરૂર છે, પોતાની દુકાનની અંદર બહાર CCTV કેમેરા લગાવવા જોઈએ, ઘરની બહાર, સોસાયટીમાં તેમજ જાહેર સ્થળોએ પણ CCTV કેમેરા લગાવવા જોઈએ કારણ કે હાલ બનેલ ઘટનામાં આરોપી સુધી પહોંચવામાં CCTV કેમેરાની મહત્વની ભૂમિકા રહી હતી. ફળિયામાં, સોસાયટીમાં કે બજારમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવી જોઈએ, વધુમાં દુકાનમાં આવનાર ગ્રાહકે માસ્ક, હેલ્મેટ અથવા રૂમાલ બાંધેલો હોઈ તો તેને તે હટાવવા જણાવવું જોઈએ. જો આવનાર વ્યક્તિ તેમ કરવામાં ના પાડે તો સતર્ક થઈ જવું જોઈએ અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ જેથી ફરી વાર આવી કોઈ ઘટના બનતા પહેલા તેને અટકાવી શકાય.