
તા૨૯.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પર્શ લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી
જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે તથા જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ સ્પર્શ લેપ્રસી અવરનેસ કેમ્પેઈનની કરાશે ઉજવણી કલંકનો અંત , ગૌરવનો સ્વીકાર થીમ અંતર્ગત સમાજમાંથી રક્તપિત નાબૂદ કરવા હકારાત્મક અભિગમ અપનાવી કુટુંબ અને દેશને રક્તપિત મુક્ત બનાવવા ચલાવાશે ઝુંબેશ રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પર્શ લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી તા. ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન સઘન રીતે કરવામાં આવશે. આ અભિયાન જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે તથા જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ યોજાશે. દર વર્ષે ૩૦ જાન્યુઆરી – એન્ટી લેપ્રસી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર જિલ્લાના ગામોમાં રક્તપિત (લેપ્રસી) અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવશે. દરેક ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરી રક્તપિત રોગ વિશે માહિતી આપવામાં આવશે તેમજ રક્તપિતગ્રસ્ત દર્દીઓને સમાજનો સહકાર મળે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી તેઓ શારીરિક, માનસિક, સામાજિક તથા આર્થિક રીતે સશક્ત બની શકે. સ્પર્શ લેપ્રસી અવરનેસ કેમ્પેઈન 30.01.2026થી 13.02.2026 દરમ્યાન કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે જાહેર સ્થળોએ ભવાઈ દ્વારા જનજાગૃતિ,ગામે ગામ શાળાના બાળકો દ્વારા રેલી,ગ્રામ્ય આરોગ્ય સમિતિ તથા વિલેજ હેલ્થ એન્ડ સેનિટેશન કમિટી સાથે બેઠકો,સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસાર,હાટ બજારમાં પત્રિકા વિતરણ આ વર્ષે એન્ટી લેપ્રસી ડેની થીમ “કલંકનો અંત, ગૌરવનો સ્વીકાર” રાખવામાં આવી છે. આ થીમ અંતર્ગત સમાજમાંથી રક્તપિત નાબૂદ કરવા હકારાત્મક અભિગમ અપનાવી કુટુંબ અને દેશને રક્તપિતમુક્ત બનાવવા સઘન ઝુંબેશ ચલાવવામાં આવશે.આપ સૌ જાણો છો કે, રકતપિત્તની સમસ્યા ફકત તબીબી પ્રશ્ન નથી, પરંતુ રકતપિત્તના દર્દી પ્રત્યેની લોકોની સૂગને પરિણામે તે એક સામાજીક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા છે. રકતપિત્તના દર્દીની શારીરિક, માનસિક, સામાજીક અને આર્થિક અવદશામાં તેને સહાયરૂપ થવાના કાર્યક્રમમાં તમામ સેવાભાવી પ્રકૃતિના વ્યકિતઓ અને સંસ્થાઓનો સહકાર હરહંમેશા મળતો રહ્યો છે.જિલ્લા રક્તપિત અધિકારીએ જણાવ્યું કે રક્તપિત રોગના લક્ષણો અંગે જાણકારી હોવી અત્યંત જરૂરી છે. રક્તપિત એક જંતુજન્ય રોગ છે અને સંપૂર્ણપણે સાજો થઈ શકે છે. ચામડીના રંગમાં ફેરફાર, સુનાશી (સ્પર્શ જ્ઞાનનો અભાવ), ચામડી પર ચાઠાં જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ. વહેલું નિદાન અને નિયમિત બહુઔષધિય સારવારથી વિકૃતિ અટકાવી શકાય છે.તેમણે વધુમાં જણાવ્યું કે રક્તપિતગ્રસ્ત વ્યક્તિઓને સન્માનપૂર્વક જીવવા પ્રોત્સાહિત કરવું, સમાજમાં તેમનો સ્વીકાર કરવો અને સહાય કરવી આપણી સામૂહિક જવાબદારી છે. રક્તપિતનું નિદાન અને સારવાર તમામ સરકારી દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં દરરોજ નિઃશુલ્ક ઉપલબ્ધ છે




