આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી
આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી
તાહિર મેમણ – આણંદ – 06/10/2025 – આણંદ, સોમવાર ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં દર વર્ષે તા. ૭ ઓક્ટોબર થી ૧૫ ઓકટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ તા. ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.
આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત તા.૭ મી ઓક્ટોબર ના રોજ ઉમરેઠ તાલુકાના વણસોલ ગામે રાજીવ ગાંધી ભવન ખાતે સવારે ૯-૦૦ કલાકે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ પૂર્વે પણસોરા, અરડી, સૈયદપુરા, મેઘવા, તારપુરા અને બડાપુરા ગામ ખાતે વિકાસ સપ્તાહનો રથ પરિભ્રમણ કરશે. ત્યારબાદ બપોર પછી ૧૪-૦૦ કલાકે થામણા ગામે વડીલોના વિસામો ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં પરવટા, લીંગડા, ધોરા, આસીપુરા, ગંગાપુરા અને ઝાંખલા ગામ ખાતે વિકાસ રથ ફરશે. ત્યારબાદ રાત્રે ૨૦-૦૦ કલાકે ભરોડા ગામ ખાતે ભાગોળ પાસે કાર્યક્રમ યોજાશે. તે પૂર્વે હમીદપુરા, બેચરી, સુરેલી, ધુળેટા, સુંદલપુરા, અહીંમા, બાજીપુરા, સીલી અને ખોરવાડ ગામો ખાતે વિકાસ સપ્તાહનો રથ આ ગામો ખાતે ફરશે.
વિકાસ સપ્તાહ દરમિયાન યુવા સશક્તિકરણ દિવસ, રોજગાર મેળો, પોષણ દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ, કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ જેવા દિવસોની ઉજવણી કરવાની સાથે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.