વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૨૦ ડિસેમ્બર : વિદ્યાર્થીઓમાં ખેલભાવના તેમજ શારીરિક ક્ષમતાનો વિકાસ થાય તે ઉદ્દેશ્યથી અદાણી ફાઉન્ડેશન સંચાલિત મુન્દ્રા ખાતેની અદાણી પબ્લિક સ્કૂલમાં બે દિવસીય વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ રમતોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે વેસ્ટર્ન રેલવે ગાંધીધામના એરિયા મેનેજર આશિષ ધાનિયા (IRTS) અને અને બીજા દિવસે 5th નેવલ યુનિટ NCC ભુજના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડર એમ જી ગોવિન્દ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના બેગપાઈપ બેન્ડના મધુર તાલે એનસીસી કેડેટ્સની શિસ્તબદ્ધ પરેડથી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે મુંદ્રાની એક માત્ર શાળા છે કે જેને પોતાનું બેગપાઈપ બેન્ડ છે. ત્યારબાદ શાળાનાં શ્રેષ્ઠ રમતવીરો દ્વારા મશાલ દોડ કરવામાં આવી હતી તેમજ બધાંજ વિદ્યાર્થીઓ દ્વારા ખેલભાવના શપથ ગ્રહણ કરવામાં આવી હતી.આ રમતોત્સવમાં મોટા બાળકો માટે 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, રીલે દોડ, તેમજ નાના બાળકો માટે 50 મીટર દોડ, ટામેટા દોડ, સોયદોરા દોડ, સંતુલન દોડ, વિઘ્ન દોડ, હુલાહૂપ દોડ, હોકી ડ્રિબલિંગ દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તેમનામાં રહેલી શકિતઓને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિવિધ રમતો વચ્ચે સમયાંતરે રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓ દ્વારા સંગીતના તાલે વિવિધ સમૂહ નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. જેનાથી સમગ્ર કાર્યક્રમ ભવ્ય બની ગયો હતો. આ રમતોત્સવમાં ધોરણ 1 થી 9 અને 11 ના 1700 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.નેવલ યુનિટ NCC ભુજના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડર એમ જી ગોવિંદે શિસ્તબદ્ધ પ્રદર્શનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે રમતગમતથી જીવનમાં શિસ્ત નિર્માણ થાય છે અને આવી શિસ્ત આવે તે સમાજ ખૂબ ઝડપથી પ્રગતિ કરી શકે છે. તેમણે શાળાનાં તમામ સ્ટાફના ઉત્તમ ટીમવર્કની પણ નોંધ લીધી હતી અને આવા સુંદર આયોજન બદલ શાળાને અભિનંદન આપ્યાં હતાં.અદાણી પબ્લિક સ્કૂલના આ રમતોત્સવ પ્રસંગે અદાણી પોર્ટના એક્ઝીક્યુટીવ ડાઈરેક્ટર રક્ષિત શાહ, અને અન્ય અતિથિઓ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને વિદ્યાર્થીઓનાં ઉત્તમ પ્રદર્શનને નિહાળી મંત્રમુગ્ધ બન્યાં હતાં. લગભગ 1400 જેટલા વાલીઓએ કાર્યક્રમ માણ્યો હતો.કાર્યક્રમના અંતે રમત-ગમતમાં વિજેતા થયેલ સ્પર્ધકોને મુખ્ય અતિથિનાં વરદ હસ્તે પ્રમાણપત્ર તેમજ પદકો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કુલ મળીને 100 સુવર્ણ, 100 રજત અને 100 કાંસ્ય પદક આપવામાં આવ્યાં હતાં. આ રમતોત્સવમાં બન્ને દિવસના અંતે સૌથી વધુ ગુણ મેળવી નાનક હાઉસે બેસ્ટ હાઉસ ટ્રોફી જયારે દ્વિતીય ક્રમાંકે રહી કબીર હાઉસે રનર-અપ ટ્રોફી જીતી હતી.આ પ્રસંગે અદાણી સ્કૂલ્સના કચ્છ રિજનના ડાઈરેક્ટર મીતા જાડેજા, શાળાના ડાઈરેક્ટર અમી શાહ, પ્રિન્સિપાલ હેમન્ત કુમાર શર્મા અને વાઇસ પ્રિન્સિપાલ રેણુ પાટીદારે કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના રમતગમત વિભાગ, સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. શાળાના પ્રિન્સિપાલશ્રી એ વિદ્યાર્થીઓને તેઓ જીવનમાં શિસ્ત, સહકાર અને સખત પરિશ્રમ થકી સતત પ્રગતિ કરતા રહે એવી શુભેચ્છા પાઠવી હતી.