દારૂની હેરાફેરી પર પોલીસનો શિકંજો:અંકલેશ્વરમાં બે અલગ સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, બે બુટલેગરની ધરપકડ

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર પોલીસે દારૂની હેરાફેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બે અલગ-અલગ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને બે બુટલેગરોની ધરપકડ કરી છે.
પ્રથમ કેસમાં, અંકલેશ્વરના આંબોલી રોડ પર સરસ્વતી પાર્ક સોસાયટીના રહેવાસી શાહરૂખ મહેમુદઅલી મન્સૂરીને સુકાવલી ડમ્પિંગ સાઈટ પાછળથી પકડી પાડ્યો છે. તેની પાસેથી વિદેશી દારૂની 96 બોટલ મળી આવી છે. આ જથ્થાની કિંમત 9 હજારથી વધુ છે.
બીજા કેસમાં, અંકલેશ્વરના અમરતપરા ગામના અવિનાશકુમાર અશોક વસાવાને જુના દીવા ગામના બસ સ્ટેશન પાસેથી ઝડપી લીધો છે. તે એક્ટિવાની ડિકીમાં વિદેશી દારૂની 55 બોટલ લઈને જઈ રહ્યો હતો. આ દારૂની કિંમત 5 હજારથી વધુ છે.
પૂછપરછમાં અવિનાશે જણાવ્યું કે તે વાલિયા તાલુકાના ભમાડીયા ગામના બુટલેગર અજય વસાવા પાસેથી દારૂ લાવ્યો હતો. આ દારૂ વાગરાના વાવ ગામના બુટલેગર અશ્વિન રાજપૂતને પહોંચાડવાનો હતો. પોલીસે બંને કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



