
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના મૂડસી ગામે આધેડ પુરુષની શંકાસ્પદ હાલતમાં લટકતી લાશ મળતાં ચકચાર – પોલીસે તપાસ હાથ ધરી
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મૂડસી ગામે એક આધેડ પુરુષની શંકાસ્પદ હાલતમાં લટકતી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક તરીકે મસાર વાઘાભાઈની ઓળખ કરવામાં આવી છે, જે છેલ્લા છ દિવસથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ, ગામ નજીક આવેલી જંગલ વિભાગની નર્સરી વિસ્તારમાં ગોવાળિયાઓએ એક પુરુષની લાશ લટકતી હાલતમાં જોઈ હતી. આ અંગે ગામમાં જાણ થતાં જ ઘટનાસ્થળે પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકટોળું એકત્રિત થયું હતું.મૃતદેહ ગળામાં રૂમાલનો ફાંસો ખાધેલ હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. ઘટનાને લઈને આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર મોત થયું છે તે બાબતે અનેક તર્કવિતર્કો ઉઠી રહ્યા છે.ઘટનાની જાણ થતાં મેઘરજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશનો કબ્જો લઈ પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.





