રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
કચ્છમાં શિક્ષકોની અછત મુદ્દે આશાપુરા ટ્રસ્ટનો ચક્કાજામ : ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાગી
મુંદરા, તા.14 : લાંબા સમયથી કચ્છમાં શિક્ષકોની અછતનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને જાગૃત નાગરિકોનો આક્રોશ આજે ફરી એકવાર સામે આવ્યો હતો. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કચ્છના માંડવી-ગાંધીધામ હાઈવે પર આવેલા મોખા ટોલ નાકા ખાતે ચક્કાજામનું એલાન આપવામાં આવ્યું હતું. આ આંદોલનમાં 300થી વધુ લોકો જોડાયા હતા, જેમાં ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આશરે અડધો કલાક સુધી ચાલેલા ચક્કાજામના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને વાહનોની ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી.
આ લડતનું નેતૃત્વ કરી રહેલા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “કચ્છ રાજ્યને સૌથી વધુ રેવન્યુ આપતા જિલ્લાઓમાંથી એક છે, છતાં અહીંના બાળકોને પૂરતું શિક્ષણ નથી મળી રહ્યું. રાજ્ય સરકારે ‘સ્પેશિયલ ભરતી’ની જાહેરાત કરી હોવા છતાં, હજારો જગ્યાઓ ખાલી રહી ગઈ છે, કારણ કે કચ્છી ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવી નથી. બહારના શિક્ષકો લાંબા સમય સુધી કચ્છમાં રહેવા તૈયાર નથી, જેના કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે.”
આંદોલનકારીઓએ હાથમાં બેનરો લઈ “સ્પેશિયલ ભરતી, પુરી કરો”, “કચ્છ માટે, કાયમી શિક્ષક”, “સ્થાનિકની, ભરતી કરો” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
પરિસ્થિતિ વણસતાં, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પ્રાગપર પોલીસ દ્વારા આંદોલનના અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી અને તેમને પ્રાગપર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અગ્રણીઓની અટકાયત બાદ ટોળું વિખેરાઈ ગયું હતું અને વાહનવ્યવહાર ફરી પૂર્વવત થયો હતો.
આશાપુરા ટ્રસ્ટ અને અન્ય સંગઠનોનું કહેવું છે કે કચ્છના શિક્ષણ પ્રશ્નનો લાંબા ગાળાનો ઉકેલ માત્ર “સ્થાનિક ભરતી” જ છે. જો કચ્છના ઉમેદવારોને પ્રાથમિકતા આપીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તો તેઓ નિવૃત્તિ સુધી અહીં રહીને બાળકોને ઉત્સાહપૂર્વક ભણાવી શકે છે.
આંદોલનના સમર્થકોએ વોટ્સએપ ગ્રુપ્સ દ્વારા પણ યુવાનોને એક થવા હાકલ કરી હતી અને ચેતવણી આપી હતી કે જો સરકાર આ મુદ્દે તાત્કાલિક કોઈ નક્કર પગલાં નહીં ભરે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. કેટલીક સંસ્થાઓએ કચ્છ માટે ‘વિશેષ પ્રદેશ’નો દરજ્જો આપવાની પણ માંગણી કરી છે જેથી કચ્છના સંસાધનો અને શિક્ષણ વ્યવસ્થા પર કચ્છના લોકોનો જ અધિકાર રહે.
આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી પૂરતી સંખ્યામાં શિક્ષકોની ભરતી નહીં થાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. આ આંદોલન એ વાતનો સંકેત છે કે કચ્છના લોકો હવે પોતાના બાળકોના ભવિષ્ય માટે કોઈ પણ સમાધાન કરવા તૈયાર નથી.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)