BANASKANTHAGUJARATPALANPUR

અટલ નેતૃત્વ, અવિરત વિકાસ કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂતોના જીવનમાં આવ્યું પરિવર્તન

25 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ખેડૂત સુરક્ષા, ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદન વધારો : કિસાન સૂર્યોદય યોજનાનો ત્રિગુણો લાભ.બનાસકાંઠામાં જેટકોના ૨૭ સબ સ્ટેશન સાથે જોડાયેલા ૯૨ ગામડામાં ૧૩,૫૨૮ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળે છે.
કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત અમને દિવસે વીજળી પ્રાપ્ત થતા મારા જેવા અનેક ખેડૂતોને ફાયદો પહોંચ્યો છે:-ખેડૂત શ્રી કેશરભાઈ લોહ*
કિસાન સૂર્યોદય યોજના થકી રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે. અગાઉ મોટાભાગના ખેડૂતોને રાત્રિ સમયે ખેતી માટે વીજ પુરવઠો મળતો હતો. જેના લીધે રાત્રિના સમયે સિંચાઈ કરવામાં રાત ઉજાગરા કરવા પડતા હતા. બનાસકાંઠા જિલ્લામાં એકબાજુ અરવલ્લીની ગિરીમાળાઓ, અને રણ પ્રદેશ નજીક હોવાથી જંગલી પ્રાણીઓનો પણ ભય રહેતો, રાત્રિના સમયે ક્યારો ફૂટી જાય તો બેટરીના અજવાસમાં તેને બાધવાની સમસ્યા પણ થતી તેમજ આરોગ્ય પર પડતા પ્રભાવ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસ દરમિયાન નિશ્ચિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળતા આ તમામ સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બનાસકાંઠા જેટકોના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયરશ્રી એ.એલ. જેઠવાએ જણાવ્યું કે, કિસાન સૂર્યોદય યોજના ગુજરાત સરકારની ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ યોજના છે. બનાસકાંઠા જિલ્લામાં જેટકોના કુલ ૧૧૨ સબ સ્ટેશન કાર્યરત છે, જેના અંતર્ગત ૮૧૮ ગામડા અને ૧,૧૭,૮૪૫ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. જેટકો દ્વારા કિસાન સૂર્યોદય યોજનાના અમલ હેઠળ ૨૭ સબ સ્ટેશન સાથે જોડાયેલા ૯૨ ગામડામાં ૧૩,૫૨૮ ખેડૂતોને દિવસ દરમિયાન બે શિફ્ટમાં વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના જગાણા ગામના ખેડૂતશ્રી કેશરભાઈ વર્ષોથી ખેતી કરે છે. તેઓ જણાવે છે કે, પહેલા રાત્રે વીજળી આવતી એટલે અમે ખેતીના પિયત માટે ઉજાગરા કરતા હતા અને અનેક મુશ્કેલીઓનો સામનો કરતા હતા. ખેતરમાં પિયત કામ કરતી વખતે સાપ જેવા ઝેરી જંતુઓના કરડવાનો સતત ભય રહેતો હતો. આ ભયના કારણે ખેડૂતો પોતાની ઇચ્છા મુજબ પાક લેવા અસમર્થ બનતા હતા. જો કે, રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી “કિસાન સૂર્યોદય યોજના” કેશરભાઈ જેવા લાખો ખેડૂતોના જીવનમાં નવો ઉજાસ લાવી રહી છે. આ યોજનાએ ખેતી માટે જરૂરી વીજ પુરવઠાની વર્ષોથી ચાલી આવતી સમસ્યાનો સ્થાયી અને અસરકારક ઉકેલ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના દ્વારા ખેડૂતોને દિવસે વિશ્વસનીય અને પૂરતો વીજ પુરવઠો મળી રહ્યો છે, જેના કારણે ખેતી કાર્ય વધુ સુવ્યવસ્થિત અને ઉત્પાદક બન્યું છે.

Back to top button
error: Content is protected !!