GUJARATPANCHMAHALSHEHERA

શહેરાના છાણીપ ગામે ફિલ્મી ઢબે પીછો કરી LCBએ દારૂ ભરેલી XUV ઝડપી પાડી ₹9.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

 

પંચમહાલ શહેરા

 

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લામાં દારૂની બદી ડામવા રેન્જ આઈ.જી. અને એસ.પી.ની સૂચનાથી એલ.સી.બી. પોલીસે શહેરાના છાણીપ ગામે સપાટો બોલાવ્યો છે. પોલીસને જોઈને ભાગવા જતા બુટલેગરે પોતાની કાર ઝાડ સાથે અથડાવી દીધી હતી.જોકે પોલીસ પહોંચે તે પહેલાં ચાલક ફરાર થઈ ગયો હતો.

 

ઘટનાની વિગત એવી છે કે, ગોધરા એલ.સી.બી.ના અ.હે.કો. કૃષ્ણકાંત તેરસિંહ તથા આ.હે.કો. ભુપેન્દ્રસિંહ નાથુસિંહને બાતમી મળી હતી કે, શહેરાના અણીયાદ ગામ તરફથી એક નંબર વગરની સફેદ XUV 500 કાર વિદેશી દારૂ ભરીને રેણા ગામ તરફ જઈ રહી છે અને ‘પટેલ’ નામનો શખ્સ તેનું પાયલોટિંગ કરે છે. આ બાતમીના આધારે પી.આઈ. આર.એ.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફે છાણીપ ગામે ચાંદણગઢ ચોકડી પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કાર આવતા તેને રોકવાનો ઈશારો કરતા ચાલકે કાર ભગાવી મૂકી હતી. પોલીસે પીછો કરતા ગભરાઈ ગયેલા ચાલકે કાર રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાવી દીધી હતી અને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.

 

પોલીસે અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી કુલ નંગ ૧૦૮૬ જેની કિંમત રૂપિયા ૪,૬૨,૩૩૩નો જથ્થો મળી આવ્યો હતો. આમ, પોલીસે દારૂનો જથ્થો અને રૂપિયા ૫,૦૦,૦૦૦ની કિંમતની ગાડી મળી કુલ રૂપિયા ૯,૪૬,૨૩૩નો મુદ્દામાલ કબજે કરી ફરાર બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!