સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની દિલધડક મોકડ્રીલ

24 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
નિર્માણ થઈ રહેલી સિવિલ હોસ્પિટલમાં આતંકી ઘુસ્યા હોવાની મોકડ્રીલ: બાળકો–નાગરિકો બન્યા મંત્રમુગ્ધ.૨૬ જાન્યુઆરીના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે થરાદ ખાતે ચેતક કમાન્ડો દ્વારા દિલ ધડક કરતી આતંકવાદ વિરોધી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી નિર્માણ થઈ રહેલી સિવિલ હોસ્પિટલમાં આતંકીઓ ઘુસ્યા હોવાની કલ્પિત પરિસ્થિતિ સર્જી ચેતક કમાન્ડોએ ઝડપી અને ચોક્કસ કાર્યવાહીની ઝાંખી રજૂ કરી હતી.મોકડ્રીલ દરમિયાન બે આતંકવાદીઓને નિષ્ક્રિય કરવામાં આવ્યા તેમજ ત્રણ બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવાના દૃશ્યો રજૂ કરવામાં આવ્યા હતા. કમાન્ડોની કુશળતા, શિસ્ત અને સાહસથી ભરપૂર કરતબોએ ઉપસ્થિત બાળકો અને નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ સમગ્ર મોકડ્રીલનું સંચાલન વિંગ કમાન્ડર શ્રી ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લોકોમાં દેશ માટેની દાઝ અને દેશપ્રેમ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. ‘ભારત માતા કી જય’ અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચિંતન તેરૈયા સહિત સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યોજાયેલી આ મોકડ્રીલે સુરક્ષા દળોની સજ્જતા અને દેશની એકતાનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડ્યો હતો.






