ડાંગ જિલ્લાની ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠ સાપુતારા ખાતે ઢીંગલા-ઢીંગલી દિવસની અનોખી ઉજવણી.
વાત્સલ્યમ સમાચાર
ડાંગ
ડાંગ જિલ્લાની ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠ, સાપુતારાની કન્યાઓએ આજે અનોખા ઢીંગલા-ઢીંગલી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં સર્જનાત્મકતા, કલા પ્રત્યે રુચિ અને પરંપરાગત રમકડાં પ્રત્યે લગાવ વધારવાનો હતો.વિશ્વ વિદ્યાપીઠના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં કન્યાઓએ પોતાના હાથે બનાવેલા વિવિધ પ્રકારના ઢીંગલા-ઢીંગલીઓનું પ્રદર્શન કર્યું હતુ.આ પ્રદર્શનમાં પરંપરાગત પોશાકોમાં સજ્જ ઢીંગલા-ઢીંગલીઓથી માંડીને આધુનિક થીમ પર આધારિત રચનાઓ પણ જોવા મળી હતી. વિદ્યાર્થીનીઓએ પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને માટી, કાપડ, કાગળ અને અન્ય સામગ્રીમાંથી અદ્ભુત કલાકૃતિઓનું નિર્માણ કર્યું હતું.આ પ્રસંગે વિશ્વ વિદ્યાપીઠના આચાર્યએ જણાવ્યું હતું કે, “આવા કાર્યક્રમો વિદ્યાર્થીનીઓને માત્ર મનોરંજન જ નહીં, પરંતુ તેમની સુષુપ્ત કલાશક્તિને બહાર લાવવામાં પણ મદદરૂપ થાય છે. ઢીંગલા-ઢીંગલી એ માત્ર રમકડું નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો એક અભિન્ન અંગ છે.”વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને એકબીજાની કૃતિઓની પ્રશંસા કરી હતી. આ ઉજવણીએ વિદ્યાર્થીનીઓમાં એકતા અને સહકારની ભાવનાને પણ પ્રોત્સાહન આપ્યું હતુ.આ અનોખા કાર્યક્રમ દ્વારા ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠે શિક્ષણની સાથે સાથે સંસ્કાર અને કલાના સંવર્ધનનો પણ નવો સંદેશો આપ્યો હતો.