
ડેડીયાપાડાનાં કુનબાર પ્રાકૃતિક ખેતી સફળ પગલું ભરતા ગામના ખેડૂત છગનભાઈ
તાહિર મેમણ- ડેડીયાપાડા- 04/07/2025 – ડેડીયાપાડા લોક મુખે ગવાતું અને વરસાદી સીઝનમાં બાળકોને દાદા -દાદી હેતથી સમજાવી કારેલાની અગત્યતા દર્શાવતા કહે છે કે,” આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક….” સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગુણો ધરાવે છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં કુનબાર ગામના ખેડૂત છગનભાઈ દામજીભાઈ વસાવા એક સમયે વર્ષો સુધી કડિયા કામ કરતા હતાં. જીવનની મુશ્કેલીઓ અને મોંઘવારીથી પરિવારનાં ગુજરાન માટેનું આર્થિક દબાણ તેમના માટે મોટી કસોટી હતી. તેમ છતાં, તેમણે હિંમત રાખી અને પારંપરિક ખેતી છોડીને છાણીયા ખાતરનો ઉપયોગ કરી વેલાવાળા શાકભાજી ઉગાડી પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું સાહસ કર્યું, જેમાં ‘કારેલા’ના પાક દ્વારા તેમણે નવી દિશા પકડી.
શ્રી છગનભાઈએ પોતાના દાદા શ્રી નારસિંગભાઈ વસાવા પાસેથી પ્રાકૃતિક કૃષિની પ્રેરણા મેળવી, જેઓ છેલ્લા નવ વર્ષથી અલમાવાડી ગામમાં સફળતાપૂર્વક કારેલા ઊછેરી ખેતી કરી રહ્યાં છે. તેમના માર્ગદર્શન હેઠળ છગનભાઈએ પોતાની ત્રણ એકર જમીનમાં વેલાવાળા શાકભાજી કરવાનો સંકલ્પ કર્યો અને કારેલાનું બિયારણ રોપ્યું. 1315 જાતના કારેલાનું બિયારણ રૂપિયા 64,000 માં ખરીદ્યું, જ્યારે મલ્ચિંગ અને ડ્રિપ ઈરીગેશન માટે નેટા ફેમ કંપની દ્વારા 85% સબસિડી મળી હતી. સમગ્ર ખર્ચ અંદાજે રૂપિયા ત્રણ લાખ જેટલો ખર્ચ ખેડૂતને થયો હતો.
ખાસ વાત એ છે કે, ખેતરનું દરેક કામ છગનભાઈ તેમના ધર્મપત્ની શ્રીમતી જશોદાબેન સાથે મળીને કરે છે. દિવસના 24 કલાક દરમિયાન સવારથી સાંજ સુધી તેઓ એક સાથે ખેતીમાં સખત મહેનત કરે છે. એક પરિવાર બની કાર્ય કરતી આ જોડી આજે અનેક ખેડૂત પરિવારો માટે પ્રેરણારૂપ બની છે. તેમના ચાર સંતાનો પણ આ સફરમાં સાથ આપી રહ્યા છે.એટલું જ કહેવાયું છે કે,પરિશ્રમ એજ પારસમણિ
“તેમના પ્રયાસોને હવે ગામડાઓ સુધી નવી દિશા મળી રહી છે.” પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું એટલે સમાજને સ્વસ્થ નિરોગી અને સુખી બનાવવાનો માર્ગ મે પસંદ કર્યો અને ખેતી સાથે સારી આવક પણ મળી રહે છે અને આત્મનિર્ભર બનવાનો આ સરળ ઉપાય છે.
છગનભાઈની આ ખેતી યાત્રા એ સાબિત કરે છે કે જો ઇચ્છાશક્તિ મજબૂત હોય અને માર્ગદર્શન યોગ્ય મળે તો સફળતાના દ્વાર ખૂલે છે અને નાના મોટા શહેરોમાં વેલાવાળા તાજાશાકભાજીની માંગથી ખેડૂતોને સીધા વેચાણથી આવક સારી મળે છે. કુનબાર ગામમાંથી ઊગતી આ સફળતાની કહાની આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે.



