AHAVADANGGUJARAT

ડાંગ: આહવા અને વઘઇ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા તેમજ વઘઈ ખાતે મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને હિંદુઓના આરાધ્ય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૬મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને ઉત્સાહભર્યા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.દર વર્ષે ૧૯ ફેબ્રુઆરીએ ઉજવાતી શિવાજી જન્મજયંતિ પ્રસંગે આ વર્ષે પણ શિવભક્તોમાં વિશેષ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાના આહવા તેમજ વઘઈ ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

વઘઈમાં અંબામાતા મંદિરથી ચાર રસ્તા ગાંધી મેદાન સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો,સમાજના આગેવાનો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન “જય શિવાજી”ના ગગનભેદી નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.રેલી પૂર્ણ થયા બાદ વઘઈ સ્થિત અંબામાતા મંદિર ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંતના અશોકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આશીર્વચન પુજ્ય પી.પી. સ્વામી દ્વારા આપવામાં આવ્યા હતા. આ સંમેલનમાં હિન્દુ સમાજના આગેવાનો, યુવાનો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.સંમેલનમાં છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય, રાષ્ટ્રપ્રેમ, સ્વરાજ્યની ભાવના અને સંસ્કૃતિના રક્ષણ માટેના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા તેમજ તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અવસરે શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વઘઈ પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો..

Back to top button
error: Content is protected !!