અમદાવાદમાં છત્તીસગઢનું ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ: ₹33,000 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,500થી વધુ રોજગાર તકો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદમાં છત્તીસગઢ સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ દ્વારા ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ ભવ્ય રીતે યોજાઈ. કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈની ઉપસ્થિતિએ રોકાણકારોનો ઉત્સાહ વધ્યો હતો. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ ગુજરાતના ઉદ્યોગકારો સાથે ભાગીદારી મજબૂત કરવો અને છત્તીસગઢ રાજ્યમાં ટેક્સટાઇલ, ફૂડ પ્રોસેસિંગ, ફાર્માસ્યુટિકલ, ઇલેક્ટ્રોનિક્સ તથા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં રોકાણની તકો રજૂ કરવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીએ રોકાણકારોને સંબોધતા જણાવ્યું કે છત્તીસગઢ રાજ્ય ખનીજ અને વન સંપદાનો ભંડાર છે અને ભારતના કેન્દ્રસ્થાને સ્થિત હોવાથી કોઈપણ રાજ્ય કે શહેર સાથે સરળ અને ઝડપી પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ છે. સિંગલ વિન્ડો સિસ્ટમ, ઉદ્યોગપ્રેમી નીતિઓ અને સરળ અનુમતિ પ્રક્રિયાઓના કારણે રાજ્યમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સુનિશ્ચિત થયો છે. માત્ર દસ મહિનામાં રાજ્યને 7.5 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણ પ્રસ્તાવો પ્રાપ્ત થયા છે અને ઘણા ઉદ્યોગોએ નિર્માણ પ્રવૃત્તિઓ પણ શરૂ કરી દીધી છે.
મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ જણાવ્યું કે પહેલા છત્તીસગઢ અંગે ખોટી માન્યતાઓ હતી, પરંતુ હવે નક્સલવાદ લગભગ અંતાવર છે અને ઉદ્યોગો માટે કોઈ પ્રકારનો ખતરો નથી. રાજ્ય સર્વાંગી ઔદ્યોગિક વિકાસ થકી વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે. તેમણે ગુજરાતના રોકાણકારોને ખુલ્લું આમંત્રણ આપ્યું કે તેઓ છત્તીસગઢમાં નવું ઉદ્યોગસ્થાપન કરીને વિકાસમાં ભાગીદાર બને.
ઇવેન્ટ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અનેક અગ્રણી કંપનીઓને ઇન્વેસ્ટમેન્ટ લેટર્સ એનાયત થયા, જેમાં થર્મલ પાવર પ્લાન્ટ, ગ્રીન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ફૂડ સપ્લિમેન્ટ્સ, સોલર સેલ મેન્યુફેક્ચરિંગ સહિતના ક્ષેત્રો સામેલ છે. આ રોકાણોથી રાજ્યમાં 10,532થી વધુ રોજગાર તકો સર્જાશે. કુલ મળી આ ઇવેન્ટથી છત્તીસગઢને ₹33,000 કરોડ જેટલા રોકાણ પ્રસ્તાવો મળ્યા છે.
પ્રતિષ્ઠિત વડિલાલ ગ્રૂપે પણ છત્તીસગઢમાં આઈસક્રીમ, ફ્રોઝન ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર દેવાંશુ ગાંધીની મુખ્યમંત્રી મુલાકાત દરમ્યાન આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
કારીક્રમમાં CII, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, રોકાણકારો અને ઉદ્યોગસાહસિકોએ છત્તીસગઢ સરકારની ઉદ્યોગપ્રેમી નીતિઓ, ઈન્વેસ્ટમેન્ટ મોડલ અને ઝડપી મંજૂરી પ્રક્રિયાની પ્રશંસા કરી હતી. CSIDCના મેનેજિંગ ડિરેક્ટર વિશ્વેશ કુમારે આભારવિધી કરતા ગુજરાત સરકાર અને ઉપસ્થિત તમામ રોકાણકારોનો આભાર માન્યો.
ખ્યાલમાં લેવાનું છે કે ગુજરાતની વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા અને ઉદ્યોગપ્રેમી નીતિઓને અનુસરતા હવે અન્ય રાજ્યો પણ આ પ્રકારની ઇન્વેસ્ટર ઇવેન્ટ્સનું આયોજન કરીને રોકાણકારોને આકર્ષવા પ્રયત્ન કરી રહ્યા છે. છત્તીસગઢના આ કાર્યક્રમથી ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે ઔદ્યોગિક સહભાગિતાનો નવો અધ્યાય શરૂ થયો છે.









