વિસાડી ગામે ગેસ લીકેજથી આગ, વિધવા મહિલાઓનું મકાન બળીને ખાખ


છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વિસાડી ગામે તારીખ 19-12-2025ના રોજ સવારે અંદાજે 9 વાગ્યાના સમયે ચા બનાવવા માટે ગેસની સગડી ચાલુ કરતી વખતે અચાનક ભડકો થતા ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ આગે થોડી જ વારમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘરમાં રાખેલી તમામ ઘરવખરી તેમજ પશુઓને ખવડાવવા માટે સંગ્રહિત ઘાસના પુળા પણ ઘરમાં જ હોવાના કારણે આગ વધુ વિકરાળ બની ગઈ હતી અને સમગ્ર મકાનમાં આગ ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
આ આગની ઘટનામાં ઘરમાં સંકટ સમયે ઉપયોગ માટે સાચવી રાખેલા રૂ. 20,000 રોકડા સહિત રસોડાનો સામાન, ફર્નિચર, કપડાં અને અન્ય જરૂરી ઘરવખરી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને મકાનને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. આગ લાગ્યા બાદ ઘરની મહિલાઓએ હિંમત અને સમજદારી દાખવી ઘરમાં બાંધેલા ગાયો અને ભેંસોના દોરડા કાપી તેમને બહાર છોડી દીધા હતા, જેના કારણે પશુઓને આગમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.
રિપોર્ટર તોસીફ ખત્રી





