પાવી જેતપુર પોલીસ સ્ટેશન ખાતે “સ્થાનિક સ્વરાજ ચૂંટણી-૨૦૨૬” અંતર્ગત પોલીસ કર્મચારીઓ માટે ખાસ તાલીમ યોજાઈ



આજરોજ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પોલીસ સ્ટેશન ખાતે આગામી “સ્થાનિક સ્વરાજ ચૂંટણી-૨૦૨૬” ને અનુલક્ષીને એક મહત્વપૂર્ણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંપૂર્ણપણે નિષ્પક્ષ, ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ દળને સજ્જ કરવાનો હતો. શિબિર દરમિયાન ઉપસ્થિત પોલીસ કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પોતાની નિયત ફરજોનું ચુસ્તપણે પાલન કરવા, મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગે ઝીણવટભર્યું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, અસામાજિક તત્વો પર કડક નજર રાખવામાં આવે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ત્વરિત પ્રતિસાદ આપવાની રણનીતિ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ તાલીમ દ્વારા પોલીસ જવાનોને ચૂંટણી પ્રક્રિયાના કાયદાકીય પાસાઓ અને ટેકનિકલ પાસાઓથી વાકેફ કરી, લોકશાહીના આ પર્વમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા મજબૂત કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટર તોસીફ ખત્રી





