રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
શિક્ષણની ગુણવત્તા પર સુપ્રીમ કોર્ટનો આદેશ: જૂના શિક્ષકોના વિરોધ સામે બેરોજગાર યુવાનોનું સમર્થન
મુંદરા, તા. 21 : દેશમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે સુપ્રીમ કોર્ટે એક ક્રાંતિકારી ચુકાદો આપતા 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને પણ શિક્ષક પાત્રતા કસોટી (TET) પાસ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશનો હેતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે, જેના કારણે ઉચ્ચતર પગારધોરણ અને અન્ય નાંણાકીય લાભો મેળવવા માટે આ પરીક્ષા ફરજિયાત બની છે. જોકે, ગુજરાતના પ્રાથમિક શિક્ષકો દ્વારા આ નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેઓ આગામી દિવસોમાં હસ્તાક્ષર ઝુંબેશ દ્વારા વડાપ્રધાન કાર્યાલય અને રાજ્ય સરકાર પર દબાણ લાવવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ બેરોજગાર યુવાનો અને સામાજિક સંગઠનોએ તેને આવકારીને આ નિર્ણયને ‘સમયની માંગ’ ગણાવીને તેનું સમર્થન કર્યું છે.
શિક્ષણનો અધિકાર અધિનિયમ (RTE-2009) હેઠળ દેશભરમાં શિક્ષકોની યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે TET ફરજિયાત કરવામાં આવી છે. જયારે નવી ભરતીમાં આવનારા શિક્ષકોએ કઠિન TET પરીક્ષા પાસ કરીને પોતાની યોગ્યતા સાબિત કરવી પડે છે ત્યારે લાંબા સમયથી સેવામાં રહેલા શિક્ષકો માટે આ નિયમનો વિરોધ આશ્ચર્યજનક છે. નવા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા પાસ કરવી જરૂરી છે, ત્યારે તેમના ગુરુઓ પરીક્ષા આપવા તૈયાર ન હોય તો તેમની યોગ્યતા પર સવાલો ઊભા થવા સ્વભાવિક છે.
ઘણા શિક્ષકો માટે TET પરીક્ષાનું ઊંચું સ્તર ચિંતાનો વિષય છે. જોકે આ પરીક્ષાનો હેતુ જ્ઞાન અને શિક્ષણ પદ્ધતિની સમજનું મૂલ્યાંકન કરવાનો છે. જો આ પરીક્ષામાં 150 પ્રશ્નો પુછાતા હોય અને માત્ર 7% વિદ્યાર્થીઓ જ પાસ થતા હોય તો તે દર્શાવે છે કે શિક્ષણનું સ્તર જાળવી રાખવું કેટલું જરૂરી છે. જ્યારે નવા ઉમેદવારો પરીક્ષા આપી શકે છે, ત્યારે અનુભવી શિક્ષકોએ આ પરીક્ષા આપવાથી ડરવું ન જોઈએ. આ પરીક્ષા શાળામાં ભણાવવામાં આવતા વિષયો પર જ આધારિત છે અને પાસ થવા માટે માત્ર 50% ગુણની જરૂર છે, જે ખૂબ જ વાજબી છે. એક મત મુજબ વિરોધ પ્રદર્શન અને રેલીઓ કરવાને બદલે જુના શિક્ષકોએ પોતાની યોગ્યતા સાબિત કરવા માટે પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. વિરોધ પ્રદર્શનો કરીને બાળકોના ભવિષ્ય સાથે ખીલવાડ કરવું યોગ્ય નથી.
ભૂતકાળમાં પણ સરકારે CCC (કમ્પ્યુટર કોર્સ) જેવી પરીક્ષા જૂના કર્મચારીઓ માટે ઉચ્ચતર પગારધોરણ અને બઢતી માટે ફરજિયાત બનાવી હતી જે હાલમાં અમલમાં છે. જો એક નિયમ બધા માટે સમાન હોય તો શિક્ષકો માટે પણ તે લાગુ પડવો જોઈએ. સુપ્રીમ કોર્ટનો આદેશ દેશના સર્વોચ્ચ ન્યાયાલયનો નિર્ણય છે. બંધારણીય રીતે તેનો આદર અને અમલ થવો જોઈએ. આ નિર્ણયનો વિરોધ કરવાને બદલે શિક્ષકોએ તેને એક તક તરીકે જોવી જોઈએ. જેનાથી તેઓ પોતાની યોગ્યતા સાબિત કરી શકે.
આ મુદ્દો માત્ર ગુણવત્તાનો નથી પણ આર્થિક અને સામાજિક સમાનતાનો પણ છે. જ્યાં જૂના શિક્ષકો માસિક એક લાખ જેટલો પગાર મેળવે છે ત્યારે બેરોજગાર યુવાનો માટે 26,000ના પગારની નોકરી પણ એક સ્વપ્ન સમાન છે. બેરોજગાર ઉમેદવારોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જો જૂના શિક્ષકો પરીક્ષા આપવા તૈયાર ન હોય તો તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ. આ પગલાથી એક જૂના શિક્ષકના સ્થાને ચાર નવા બેરોજગાર ઉમેદવારોને નોકરીની તક મળશે અને શિક્ષણની નવી પદ્ધતિઓનો લાભ પણ વિદ્યાર્થીઓને મળશે.”
શિક્ષકો સમાજનું નિર્માણ કરે છે, તેમની પ્રાથમિક જવાબદારી બાળકોના ભવિષ્યનું નિર્માણ કરવાની છે. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવાને બદલે તેનું સન્માન થવું જોઈએ. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય શિક્ષણના સ્તરને સુધારવા અને બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે લેવામાં આવ્યો છે. કાયદાનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. અને જ્યારે સર્વોચ્ચ અદાલતનો આદેશ હોય ત્યારે તેનો અમલ સર્વોપરી છે. સરકાર અને શિક્ષક સંગઠનોએ આ વિરોધને તર્કબદ્ધ સંવાદ દ્વારા ઉકેલવો જોઈએ. જેથી બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહે અને બેરોજગારીની સમસ્યાનો પણ ઉકેલ લાવી શકાય.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)