BODELICHHOTA UDAIPUR

મંજૂરી છે, કામ નથી: નંદપુર શાળાની હાલત પર સવાલ

સંખેડા તાલુકાના નંદપુર ગામમાંથી એક ચોંકાવનારો અને ચિંતા જનક મામલો સામે આવ્યો છે. નંદપુરની પ્રાથમિક શાળાની હાલત એટલી દયનીય બની ગઈ છે કે અહીં ભણતા નાનાં ભૂલકાં વિદ્યાર્થીઓને જીવના જોખમે શિક્ષણ મેળવવું પડી રહ્યું છે. સરકાર દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી આ શાળાની વાસ્તવિકતા અનેક સવાલો ઊભા કરે છે.
પ્રાપ્ત વિગતો મુજબ નંદપુર પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીના અભ્યાસક્રમ ચાલે છે અને અહીં અંદાજે ૧૨૦ જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ શાળાની છત પરથી પત્રા ઉડી જતાં વર્ગખંડો સંપૂર્ણપણે અસુરક્ષિત બની ગયા છે. કોઈ પણ સમયે પવન કે વરસાદ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય સતત સતાવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં બાળકોને વર્ગખંડમાં બેસાડી ભણાવવું જોખમરૂપ બન્યું છે.
શાળાની અત્યંત જર્જરિત હાલતને કારણે શિક્ષકોને વિદ્યાર્થીઓને ખુલ્લામાં ભણાવવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં હાલ વિદ્યાર્થીઓને નંદપુર આરોગ્ય કેન્દ્ર તેમજ નંદપુર ગ્રામ પંચાયતના મકાનમાં બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સરકારી શાળાના ધોરણ ૧ થી ૮ના બાળકો માટે આવી વૈકલ્પિક અને અસ્થાયી વ્યવસ્થા સરકારની શિક્ષણ નીતિ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.
શાળાની હાલતને લઈ વિદ્યાર્થીઓના વાલીઓ તથા ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન જો કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? એવો સીધો સવાલ ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.
ગ્રામજનોએ આ બાબતે અનેક વખત સંબંધિત વિભાગ તેમજ સરકાર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાની મરામત માટે મંજૂરી મળી હોવા છતાં હજુ સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી. મંજૂરી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
એક તરફ સરકાર “બેટી બચાવો, બેટી ભણાવો” અને “ગુણવત્તાયુક્ત શિક્ષણ” જેવા મોટા સૂત્રો આપે છે, જ્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના ધોરણ ૧ થી ૮ના આશરે ૧૨૦ વિદ્યાર્થીઓને જીવના જોખમે ભણવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. નંદપુર પ્રાથમિક શાળાની આ હાલત સમગ્ર શિક્ષણ તંત્ર માટે શરમજનક બની છે.
ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે શાળાની મરામત કામગીરી શરૂ કરવામાં આવે અને તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત તથા યોગ્ય શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ ગ્રામજનોએ આપી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!