બોડેલી ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સફાઈ અભિયાન, પગાર મુદ્દે કર્મીઓની રજૂઆત

બોડેલી શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જનજાગૃતિ વધારવાના હેતુસર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી જિલ્લા કલેક્ટરે નગરપાલિકા તંત્રને સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ નિયમિત સફાઈ કરવાની સૂચનાઓ આપી હતી. આ અભિયાન દરમિયાન સ્થાનિક અધિકારીઓ અને નગરપાલિકાના કર્મીઓ પણ હાજર રહ્યા હતા.સફાઈ અભિયાન પૂર્ણ થયા બાદ બોડેલી નગરપાલિકાના સફાઈ કર્મીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. કર્મીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી તેમને પગાર મળ્યો નથી, જેના કારણે તેમના પરિવારની રોજબરોજની આર્થિક વ્યવસ્થામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. કર્મીઓની રજૂઆતને ગંભીરતાથી સાંભળી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને માનવીય અભિગમ દાખવી તાત્કાલિક પગલાં લેવાનો આશ્વાસન આપ્યું હતું.જિલ્લા કલેક્ટરે બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસરને સ્પષ્ટ સૂચના આપતાં જણાવ્યું હતું કે સફાઈ કર્મીઓનો બાકી પડેલો પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે અને આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. સાથે સાથે તેમણે સફાઈ કર્મીઓને ખાતરી આપતાં કહ્યું હતું કે જો પગાર ચૂકવવાની પ્રક્રિયામાં કોઈ અડચણ કે વિલંબ થાય તો તેઓ નિર્ભયપણે જિલ્લા કચેરીએ આવીને સીધી રજૂઆત કરી શકે છે.જિલ્લા કલેક્ટર તરફથી મળેલા સ્પષ્ટ આદેશ અને આશ્વાસન બાદ સફાઈ કર્મીઓમાં સંતોષ અને રાહતની લાગણી જોવા મળી હતી. પોતાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવામાં આવતાં કર્મીઓએ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાથી તંત્રની સંવેદનશીલતા અને કર્મીઓના હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ હતી, તેમ નગરજનોમાં પણ સકારાત્મક સંદેશ પહોંચ્યો હતો.
રિપોર્ટર તોસીફ ખત્રી




