BODELICHHOTA UDAIPUR

બોડેલી–નસવાડી રોડ પર પાયસ પેટ્રોલિયમમાં ઉધાર ડીઝલ લઈ છેતરપિંડી, બોડેલી પોલીસમાં ફરિયાદ

બોડેલી–નસવાડી રોડ પર મોડાસર ચોકડી પાસે આવેલ પાયસ પેટ્રોલિયમના મેનેજરે બે ઈસમો દ્વારા ઉધાર ડીઝલ લઈ ખોટા NEFT સ્ક્રીનશોટ મોકલી તેમજ ચેક બાઉન્સ કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ બોડેલી પોલીસ મથકે નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, પાયસ પેટ્રોલિયમ ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા ગુલામ મુસ્તુફા ઇસ્માઈલભાઇ ખત્રી એ જણાવ્યું કે તા. 24 ડિસેમ્બર 2025ના રોજ બે વ્યક્તિ પેટ્રોલપંપ પર આવ્યા હતા. તેમાંથી એક વ્યક્તિએ પોતાની ઓળખ જીનિત વનરાજભાઇ દીવેચા તરીકે આપી હતી અને નસવાડી ખાતે રોડનું કામ ચાલુ હોવાનું જણાવી દૈનિક આશરે 1500 લિટર ડીઝલની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.

મેનેજરે માત્ર પાંચથી છ દિવસ માટે મર્યાદિત ઉધાર આપવાની શરતે સંમતિ આપી હતી. ત્યારબાદ જીનિત દીવેચાએ પોતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ, અંબિકા ટ્રાન્સપોર્ટ કંપનીનું સહીવાળું કોરું લેટરહેડ તથા એક કોરો ચેક મેનેજરને આપ્યો હતો. વિશ્વાસમાં લઈને બંને ઈસમોએ અલગ-અલગ તારીખે કુલ 10,498.83 લિટર ડીઝલ, જેની કિંમત રૂ. 9,51,613.95 થાય છે, બોલેરો પિકઅપમાં બેરલોમાં ભરાવી લઈ ગયા હતા.ચુકવણી માટે વારંવાર માંગણી કરતાં દીવેચાએ રૂ. 11 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ બેંકમાં જમા કરતાં ચેક બાઉન્સ થયો હતો. ત્યારબાદ આરોપીએ NEFT દ્વારા રકમ જમા કર્યાના ખોટા સ્ક્રીનશોટ મોકલી પંપ મેનેજરને ભ્રમિત કર્યા હતા, પરંતુ ખાતામાં કોઈ રકમ જમા થઈ નહોતી.ફોન દ્વારા દબાણ કરતાં ક્યારેક પિતાના અવસાનનો બહાનો અને ક્યારેક આત્મહત્યાની ધમકી આપતા મેસેજ મોકલવામાં આવતા હતા. શંકા જતા મેનેજરે આધાર કાર્ડમાં દર્શાવેલા સરનામે તપાસ કરતાં મકાન બંધ મળી આવ્યું હતું અને પાડોશીઓએ પણ લાંબા સમયથી દીવેચાનું ઘર બંધ રહેતું હોવાનું જણાવ્યું હતું.આ મામલે બોડેલી પોલીસે જીનિત વનરાજભાઇ દીવેચા સહિત બે ઈસમો વિરુદ્ધ છેતરપિંડી અને ઠગાઈના ગુનામાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!