BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુરના ચીલર વાંટ ગામે રસ્તાની દયનીય હાલત સામે ગ્રામજનોનો રોષ, ચક્કાજામ બાદ સમારકામ શરૂ

છોટાઉદેપુર જિલ્લાના ચીલર વાંટ ગામે લાંબા સમયથી અત્યંત ખરાબ હાલતમાં રહેલા મુખ્ય રસ્તાને લઈને ગ્રામજનોનો રોષ આજે વધુ ઉગ્ર બન્યો હતો. રસ્તા પર અનેક જગ્યાએ ઊંડા ખાડા પડી જતા રોજબરોજ સ્કૂલના બાળકો, વૃદ્ધો, મહિલા મુસાફરો તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. ગઈકાલે આ જ રસ્તા પર ગંભીર અકસ્માત સર્જાતા લોકોમાં ભય અને રોષ બંને વધ્યા હતા, જેને પગલે આજે ગ્રામજનોએ એકત્રિત થઈ રસ્તા પર ઝાડ-ડાળીઓ મૂકી ચક્કાજામ કર્યો હતો અને વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરી દીધો હતો. ચક્કાજામના કારણે આસપાસના વિસ્તારોમાં અવરજવર ખોરવાઈ ગઈ હતી અને લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ હતી. તાત્કાલિક રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ સાથે ગ્રામજનોએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગ્રામજનો સાથે ચર્ચા કરી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનોએ રસ્તાની દયનીય સ્થિતિ બતાવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને જ્યાં સુધી કામ શરૂ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી. અંતે ગ્રામજનોના દબાણ અને ચક્કાજામની અસરથી સંબંધિત વિભાગ હરકતમાં આવ્યું હતું અને સ્થળ પર જ રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જેથી ગ્રામજનોમાં થોડી શાંતિ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!