BHUJGUJARATKUTCH

વડાપ્રધાનશ્રીના વિઝનથી કચ્છના સરહદી વિસ્તારોમાં આવેલા આમૂલ પરિવર્તનથી અવગત થતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ.

કચ્છના પ્રથમ સરહદી ગામ કુરનમાં મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં રાત્રીસભા યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ ,તા-૨૮ જૂન : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના પ્રથમ સરહદી ગામ કુરન ખાતે આયોજિત ગ્રામસભામાં સહભાગી બન્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ કુરન ગામના સરપંચ સહિત સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને સરહદી વિસ્તારમાં આવેલા પરિવર્તન અંગે જાણકારી મેળવી હતી. ગ્રામજનોએ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કના નિર્માણથી ઊભી થયેલી રોજગારી વિપૂલ તકોનો શ્રૈય વડાપ્રધાનશ્રીના વિઝનને આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગામજનો સાથે મુક્તમને સંવાદ કરીને ગ્રામ્યજીવનને આદર્શ ગણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ગામમાં સામાજિક એકતા અને ભાઈચારાની ભાવનાને બિરદાવી હતી. એક વિઝનથી અનેક લોકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવે તે કચ્છમાં રણોત્સવ અને રિન્યુએબલ એનર્જી પાર્ક થકી શક્ય બન્યું છે તેમ જણાવીને કચ્છના વિકાસને મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને આભારી ગણાવ્યો હતો. એક સમયે કોઈ ભાગ્યે જ બહારથી આવીને કુરન ગામની મુલાકાત લે એવી પરિસ્થિતિમાંથી આજે આ વિસ્તાર સમગ્ર ભારતભરમાંથી આવેલા લોકોના રોજગારીનું કેન્દ્ર બન્યો છે તે જાણીને મુખ્યમંત્રીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.  ગામલોકોએ મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું કે, આજે ઉદ્યોગો અને પ્રવાસનના લીધે આ વિસ્તારમાંથી સ્થળાંતર અટક્યું છે. કુદરતની કૃપાથી છેલ્લા વર્ષોમાં સારા વરસાદ અને સરકારના સહયોગથી લોકો આર્થિક રીતે સદ્ધર બન્યા છે. નર્મદાના પાણીથી કચ્છમાં થયેલા ખેતીના વિકાસ અંગે ગ્રામલોકોએ જણાવીને મુખ્યમંત્રીશ્રી સમક્ષ આભારની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગામલોકો સાથે સંવાદમાં કહ્યું હતું કે, હવે કચ્છ વિકાસનો પર્યાય બની ગયું છે. વિકાસની વાત હોય ત્યાં કચ્છ ના હોય એવું ભાગ્યે જ બની શકે. મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ સ્થાનિક પદાધિકારીશ્રીઓને સકારાત્મક સૂચન કરતાં કહ્યું હતું કે, છેવાડાના તમામ ગામોનો સર્વે કરીને વિકાસની બાબતમાં કોઈપણ જરૂરિયાત હોય તો તેમને જાણ કરવામાં આવે. મુખ્યમંત્રીશ્રીએ વરસાદી પાણીનો સંગ્રહ થાય એ માટેના વિવિધ કાર્યો અંગેની રજૂઆતો બાબતે લોકહિતમાં નિર્ણય લેવા અંગે ખાતરી આપી હતી.આ રાત્રિસભા દરમિયાન કચ્છના જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, આગેવાન શ્રી ધવલભાઈ આચાર્ય, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અદગીકારીશ્રી ઉત્સવ ગૌતમ સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રી અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!