BODELICHHOTA UDAIPUR

બોડેલી સેવાસદનની SDM ચેમ્બરમાં વિકરાળ આગ: સરકારી મિલકતો ખાખ, કામગીરી બંધ થતાં અરજદારો અટવાયા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવાસદન ખાતે આવેલી પ્રાંત કચેરીની SDM ચેમ્બરમાં આજે બપોરના સુમારે અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. SDM ચેમ્બરમાંથી અચાનક ધુમાડો નીકળતો જોઈને કર્મચારીઓ તાત્કાલિક સતર્ક થઈ ગયા હતા, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
​ઘટનાની ગંભીરતા જોઈને કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ સૌપ્રથમ પોતાની પાસે ઉપલબ્ધ ફાયર સેફ્ટીના સાધનો વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બોડેલી માર્કેટ યાર્ડના ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી સંપૂર્ણ કાબૂમાં લીધી હતી. સુરક્ષાના ભાગરૂપે કચેરીમાં હાજર તમામ કર્મચારીઓ અને નાગરિકોને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના બની નથી.
​જો કે, આગની તીવ્રતા એટલી વધારે હતી કે SDM ચેમ્બરમાં રાખવામાં આવેલા સરકારી કમ્પ્યુટર્સ, એર કન્ડિશનર (AC), ટેબલ, ખુરશી અને કિંમતી ફર્નિચર સહિતની તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ આગ વીજ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જો કે ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
​આ અકસ્માતને પગલે સુરક્ષાના કારણોસર સમગ્ર સેવાસદનની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી. કચેરીનું કામકાજ ઠપ થઈ જતાં પોતાના સરકારી કામો અર્થે દૂર-દૂરથી આવેલા અનેક અરજદારો અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને કામ કરાવ્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. હાલ તંત્ર દ્વારા આગના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી વિગતવાર અહેવાલ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!