BODELICHHOTA UDAIPUR
બોડેલીમાં સોનુ ચમકાવવાના બહાને ત્રણ તોલા સોનાની છેતરપિંડી

પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના ગંગાનગર સોસાયટીમાં રહેતા પટેલ પરિવારના વૃદ્ધ દંપતી ઘરે એકલા હતા. તે દરમિયાન એક ઇસમ વાસણ ઘસવાનું લિક્વિડ વેચવાના બહાને ઘેર આવ્યો હતો. શરૂઆતમાં પોતે કંપનીમાંથી આવ્યો હોવાનું કહી લિક્વિડ વેચ્યું અને વિશ્વાસ જીતવા માટે પિત્તળના વાસણો તથા ચાંદીના દાગીના ચમકાવી બતાવ્યા.
આ દરમિયાન વૃદ્ધ મહિલાએ પહેરેલી સોનાની બંગડી જોઈ તેને પણ ચમકાવી આપવાની વાત કરી. બ્રશ ન હોવાનું કહી તેણે બીજા એક ઇસમને બોલાવ્યો. બંને ઇસમોએ સોનાની બંગડી લિક્વિડથી ધોઈ તેમાં હળદર નાખી ડબ્બામાં મૂકી આપી અને 20 મિનિટ બાદ કાઢવા જણાવ્યું. વહેલી કાઢશો તો સોનુ કાળું પડી જશે એવી વાત કરી બંને ઇસમો ત્યાંથી ફરાર થઈ ગયા.
થોડા સમય બાદ ડબ્બું ખોલતા છ તોલાની સોનાની બંગડી ખૂબ જ પાતળી થઈ ગઈ હતી અને અંદાજે ત્રણ તોલા જેટલું સોનુ ગાયબ હોવાનું જણાયું. છેતરપિંડી થયાની જાણ થતાં વૃદ્ધ દંપતીના પુત્ર દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હાલ બોડેલી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. વૃદ્ધોને નિશાન બનાવી કરવામાં આવેલી આ છેતરપિંડીથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
રિપોર્ટર તોસીફ ખત્રી





