CHHOTA UDAIPURNASAVADI
પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકોનું વાવેતર કરીને આવક મેળવતા છોટાઉદેપુર તાલુકાના દડી ગામના ખેડૂત લાલાભાઈ રાઠવા

દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે. જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી અનેક પહેલો કરવામાં આવી રહી છે. દરેક ખેડૂતો પોતાની જમીનમાં એક ગુઠાથી પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીને તેના પરિણામો મળ્યા બાદ આગળ વધે તે માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઝીરો બજેટની ખેતીથી જમીનનું રક્ષણ, લોકોની આરોગ્ય જળવાઈ રહેશે એ ખેડૂતોને સમજાયું છે, ત્યારે છોટાઉદેપુર તાલુકાના દડીગામના ખેડૂત લાલભાઈ રાઠવાએ મિશ્ર પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય મોડેલનો ઉપયોગ કરીને ખેડુતે સોયાબીન, અડદ અને તુવેર જેવા પાકોનું ઉત્પાદન કરીને સારી એવી આવક મેળવી છે. વધુમાં પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મ વિકસાવવા માટે રાજય સરકારની યોજનામાં રૂા.૧૩,૫૦૦ની સહાય મળી છે સાથે દેશી ગાયના નિભાવ ખર્ચ માટે માસિક ૯૦૦ રૂપિયાની સહાય પણ મેળવે છે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત લાલાભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી માટે ત્રિમંદિર અડાલજ ખાતે ૯ દિવસની પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ મેળવી હતી ત્યાંથી પ્રાકૃતિક ખેતી માટેની પ્રેરણા મળી હતી. ૨૦૧૯ના વર્ષથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. પહેલાની ખેતી અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખુબ ફરક જોવા મળ્યો છે. શરૂઆતના સમયમાં ઉત્પાદન થોડું ઓછુ આવ્યું હતું પરંતુ ત્યારે બાદ હવે ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે સાથે ૧૦૦% રીઝલ્ટ મેળવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીમાં નફામાં ઘણો ફરક જોવા મળે છે. રસાયણિક ખેતીમાં અંદાજે એક સીઝનમાં ૩૦થી ૩૫ હજારનો ખર્ચ થતો હતો જે પ્રાકૃતિક ખેતીમાં વધુમાં વધુ ૨ હજાર જેવો નહીવત ખર્ચ થાય છે. પ્રાકૃતિક ખેતી એટલે જીરો બજેટની ખેતી છે. હાલમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજમૃત, નીમાસ્ત્ર, ભ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્ર જેવા આયામો જાતે બનાવી ઉપયોગ કરું છુ. મારી પાસે ૬થી ૭ દેશી ગાયો છે જેમના ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરૂ છુ. પહેલા જે રસાયણિક ખેતી કરતા હતા તેના કરતા પ્રાકૃતિક ખેતીમાં બે ઘણો ફાયદો થયો છે એમ તેમણે જણાવ્યું હતું.
પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનની આવક વિષે વાત કરતા લાલાભાઈ જણાવે છે કે, ગત વર્ષ દરમિયાન મિશ્ર પાકમાં તુવેર, સોયાબીન, મગફળી અને બાજરીનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં ખર્ચ કાઢતા રૂ.૧.૫૦ લાખનો નફો મેળવ્યો હતો. જિલ્લા સેવા સદન ખાતે પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્રમાં સ્ટોલ ઉભો કર્યો હતો જેમાં ત્યારથી ઘણા લોકોના સંપર્ક થયા હતા. પ્રાકૃતિક ખેતી ઉત્પાદન થયેલ પાકમાં ચોખા, તુવેરદાળ, મકાઈનો લોટ જાતે બનાવી કિલોના પેકિંગમાં જાતે વેચાણ કરું છું એમ ઉમેર્યું હતું.
આ વર્ષે મિશ્ર પાકમાં સોયાબીન, અડદ અને તુવેરનું વાવેતર કર્યું હતું જેમાં સોયાબીન અને અડદની કાપણી થઈ ચુકી છે અને તુવેરનો પાક હાલ ઉભો છે જેનું અંદજીત ૨૦થી ૨૫ મણ ઉત્પાદન મળવાની સંભાવના છે. હાલમાં દેશી ગાયના નિભાવ ખર્ચ માટે કેન્દ્ર સરકાર દ્વારા મહીને ૯૦૦ રૂપિયા સહાય મળે છે. જેનો દેશી ગાયના ગૌમૂત્ર માંથી નિમાસ્ર, અગ્નિસ્ર જેવા આયામો બનાવી ખેતીમાં ઉપયોગ કરું છુ. વધુમાં તેમને સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આગળ વધે એવી અનુરોધ કર્યો હતો.





