BODELICHHOTA UDAIPUR

બોડેલી અલીપુરા વિસ્તારમાં એકપણ આંગણવાડી કાર્યરત નથી બોડેલી TDO ઉડાઉ જવાબ

બોડેલી અલીપુરા ડેપો નજીક આવેલ રામનગર, ગંગાનગર, જનકલ્યાણ, ગજાનંદ સહિતના વિસ્તારોમાં હાલ અંદાજે 3500 થી 4000 જેટલી વસ્તી વસે છે, છતાં અહીં એક પણ આંગણવાડી કાર્યરત નથી, જેને કારણે નાના બાળકો અને વાલીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.સરકારના નિયમ મુજબ 500–700 વસ્તી દીઠ એક આંગણવાડી ફરજિયાત હોવા છતાં એટલા મોટા વિસ્તારમાં એક પણ આંગણવાડી ન હોવું ચિંતાજનક છે. વિસ્તારમાં રહેતા લોકો જણાવે છે કે નાના બાળકોને આંગણવાડીમાં મોકલવુ હોય તો મંજીપુરા, અલીખેરવા અથવા ખાનગી સંસ્થામાં મુકવાની ફરજ પડે છે, જે આ વિસ્તારથી ખૂબ દૂર હોવાથી દૈનિક આવન-જાવન મુશ્કેલ બને છે.સ્થાનિક લોકો દ્વારા આ અંગે ICDS અધિકારીને રજૂઆત કરાતા તેઓએ કહ્યું હતું કે આ વિસ્તારમાં આંગણવાડીનું મંજૂરી  2 વર્ષ પહેલાં જ મળી ગય છે, પરંતુ જગ્યા ફાળવણી ન થતાં કામ અટક્યું છે. બીજી તરફ બોડેલી TDOને પૂછતાં તેઓએ ઉડાઉ જવાબ આપ્યો કે આ વિસ્તાર હવે નવા નગરપાલિકામાં આવતાં મામલો તેઓની અધિકારીતા બહાર છે.સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે અધિકારીઓની બેદરકારી અને અસમંજસપુર્ણ જવાબદારીના કારણે નાના બાળકો તેમના મૂળભૂત હક્ક — પ્રાથમિક શિક્ષણથી વંચિત રહી રહ્યા છે.પરિણામે, હાલમાં લોકો ઉકેલની રાહ જોઈ રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે આંગણવાડીની જગ્યા ફાળવી તરત કાર્ય શરૂ કરવામાં આવે જેથી વિસ્તારના બાળકોને જરૂરી સુવિધાઓ મળી રહે.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!