બોડેલીની નવજીવન હાઇસ્કૂલના શિક્ષક એસ. જે. અંસારી છોટાઉદેપુર જિલ્લાના ‘શ્રેષ્ઠ BLO’ તરીકે સન્માનિત

૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન બોડેલીની નવજીવન હાઇસ્કૂલ, અલીપુરાના વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી એસ. જે. અંસારીને છોટાઉદેપુર જિલ્લાના ‘શ્રેષ્ઠ બૂથ લેવલ ઓફિસર (BLO)’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત કુલ ૧૦૯૪ BLO માંથી શ્રેષ્ઠ કામગીરી કરનાર ૨૦ BLO ની પસંદગી કરવામાં આવી હતી. વિશેષ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત શ્રી અંસારીએ કરેલી નિષ્ઠાપૂર્ણ અને ચોકસાઈભરી કામગીરીને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા તેમની પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં નિવાસી કલેક્ટર શ્રી ગોકાલાણી સાહેબે શ્રી અંસારીની કામગીરીની જાહેરમાં પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ નિવાસી કલેક્ટરશ્રી, એડિશનલ કલેક્ટરશ્રી તથા એસ.ડી.એમ. મેડમના હસ્તે તેમને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, સહકર્મીઓ તથા સ્નેહીજનો દ્વારા શ્રી અંસારીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
રિપોર્ટર તોસીફ ખત્રી




