ખત્રી વિદ્યાલય બોડેલીના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની સાંસદ ખેલમહાકુંભમાં રસ્સા ખેંચ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો

સાંસદ ખેલ મહોત્સવ વર્ષ ૨૦૨૫ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધામાં ખત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પ્રશંસનીય પ્રદર્શન કરી જિલ્લામાં દ્વિતીય સ્થાન મેળવી સાંસદ જશુભાઈ રાઠવા સાહેબના હસ્તે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ દ્વારા વિદ્યાર્થીઓએ શાળાનું નામ જિલ્લામાં ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે.
આ સ્પર્ધામાં જિલ્લામાંથી કુલ છ ટીમોએ ભાગ લીધો હતો. કઠિન સ્પર્ધા વચ્ચે ખત્રી વિદ્યાલયની ટીમે શારીરિક ક્ષમતા, શિસ્ત અને ઉત્તમ ટીમવર્કનું દર્શન કરાવી દ્વિતીય ક્રમ હાંસલ કર્યો. આ સફળતા બદલ ટીમને છો.ઉદેપુર ધારાસભ્ય રાજુભાઈ રાઠવાના વરદ હસ્તે રૂ. 7000/- નો નકદ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આ સ્પર્ધાનું આયોજન છોટાઉદેપુર પોલીસ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહન આપી રમતગમત દ્વારા યુવાનોના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો.
વિદ્યાર્થીઓની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી યુ.વાય. ટપલા તથા ટ્રસ્ટી મંડળે હર્ષની લાગણી વ્યક્ત કરી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ પણ સફળતા મેળવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.સાથે ટીમના ક્ન્વીનર શાળાના પી.ટી.શિક્ષક એમ.એમ.ઠાકોરને પણ અભિનંદન પાઠવ્યા હતાં.
રિપોર્ટર તોસીફ ખત્રી





