છોટાઉદેપુર નગરમાં જંગલી સુવરોના આતંકથી ભયનો માહોલ સર્જાયો છે.

છોટાઉદેપુર નગરમાં જંગલી સુવરોના આતંકથી ભયનો માહોલ સર્જાયો છે. શહેરના વ્યસ્ત શાકભાજી માર્કેટ વિસ્તારમાં અચાનક જંગલી સુવર ઘૂસી આવતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. સુવરે ચારથી પાંચ જેટલા લોકો પર હુમલો કરતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, શાકભાજી માર્કેટમાં સુવર ધમાલ મચાવતા અનેક લોકોને ઇજાઓ પહોંચી હતી. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના સમયે બજારમાં ખરીદી કરવા આવેલા નાગરિકોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
સ્થાનિક નગરજનોએ પરિસ્થિતિ પર કાબુ મેળવી સુવરને એક દુકાનમાં બંધ કરી દીધો હતો. બાદમાં શાકભાજી માર્કેટમાં આતંક મચાવનાર જંગલી સુવરને પકડી લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ નગરપાલિકાને કરવામાં આવતા શહેરમાંથી જંગલી સુવરોને હટાવવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
નગરજનો જણાવે છે કે છોટાઉદેપુર શહેરમાં મોટા દાંત ધરાવતા જંગલી સુવરોની સંખ્યામાં છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર વધારો થયો છે. વારંવાર થતા હુમલાઓને કારણે લોકોમાં સતત ભયનો માહોલ ફેલાયો છે. નગરજનોએ નગરપાલિકાને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.
રિપોર્ટર તૌસીફ ખત્રી




