જબુગામના યુવાનોની અનોખી પહેલ : તંત્રની રાહ જોયા વિના પોતે પુર્યા હાઇવેના ખાડા


ગામના યુવાનોએ તંત્રની અપેક્ષા રાખ્યા વિના સ્વયંભૂ રીતે અનોખું શ્રમદાન કર્યું છે. નેશનલ હાઇવે નં. 56 પર આવેલા જબુગામ બસસ્ટેન્ડ વિસ્તાર પાસે રસ્તા પર લાંબા સમયથી મોટા ખાડા પડ્યા હતા, જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને અકસ્માતનો ભય પણ સર્જાતો હતો.આ સ્થિતિને જોતા ગામના યુવાનોએ પોતે જ આગળ આવી ખાડા પુરવાનું નક્કી કર્યું. તેમણે કચ્છી રેતી અને ખડક ટ્રેક્ટર દ્વારા મંગાવી પોતાના ખર્ચે ખાડા પુરવાની કામગીરી હાથ ધરી. એકતા અને સમાજસેવાના ભાવ સાથે યુવાનો સવારે એકત્ર થયા અને મહેનતપૂર્વક આખો દિવસ કામ કરી માર્ગ સમતલ કર્યો.આ અનોખી પહેલને કારણે ગામમાં પ્રશંસાનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિક લોકોએ યુવાનોની આ સામાજિક જાગૃતિ અને જવાબદારીના ભાવને વધાવી લીધા છે. “જાત મહેનત જિંદાબાદ” અને “સાથી હાથ વધાના જેવી” કહેવતોને જબુગામના યુવાનોએ સાચી કરી બતાવી છે.હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે સામાન્ય લોકો રસ્તાના ખાડા પુરવા માટે તંત્રની જગ્યાએ પોતે આગળ આવે છે, ત્યારે શું તંત્રને આ જોઈને શરમ ન આવે?
રિપોર્ટર : તોસીફ ખત્રી, બોડેલી છોટાઉદેપુર



