મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સી.આઈ.આઈ. ગુજરાતની એન્યુઅલ મિટ-2025માં હરિત ઊર્જા અને ઉદ્યોગોના વિકાસ માટે નવા દિશાનિર્દેશ આપ્યા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: રાજ્યમાં ઉદ્યોગોને ગ્રીન એનર્જી પૂરી પાડવા અને હરિત ઊર્જાને વેગ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેવો સંકલ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સી.આઈ.આઈ. ગુજરાત આયોજિત એન્યુઅલ મિટ-2025માં વ્યક્ત કર્યો. મિટિંગમાં ‘વિકસિત ગુજરાત: પાવરિંગ અ પ્રોસ્પરસ ઈન્ડિયા’ વિષયવસ્તુ સાથે વિવિધ ચર્ચા સત્રો યોજાયા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે એગ્રીકલ્ચર સેક્ટરમાં જેમ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે, તેવી જ રીતે હવે ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ વધુ ઉદ્યોગોને ગ્રીન એનર્જી તરફ વાળવાનું છે. ગુજરાતમાં એક જી.આઈ.ડી.સી.ને સંપૂર્ણપણે ગ્રીન એનર્જી આધારિત ઉદ્યોગો ધરાવતી વસાહત બનાવવાના પ્રોજેક્ટ પર પણ સરકાર આગળ વધશે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા ‘વિકાસ ભી, વિરાસત ભી’ના સૂત્રનો ઉલ્લેખ કરતા ગુજરાતને ક્વોલિટી પ્રોડક્ટ અને પેકેજિંગ દ્વારા ગ્લોબલ કોમ્પિટિટિવ માર્કેટમાં અગ્રેસર બનાવવાનો અનુરોધ કર્યો.
આ પ્રસંગે સી.આઈ.આઈ. ચેરમેન કુલીન લાલભાઈએ જણાવ્યું કે વડાપ્રધાનના વિઝન હેઠળ રાજ્યનો ઔદ્યોગિક વિકાસ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. ગુજરાત ગિફ્ટ સિટી, ધોલેરા એસ.આઈ.આર અને પીએ મીત્ર પાર્ક જેવા પ્રોજેક્ટ્સ દ્વારા રોકાણકારોને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
સી.આઈ.આઈ.ની ચેરપર્સન સ્વાતિ સંલગાવલકરે ગુજરાતમાં નવા ઔદ્યોગિક વિકાસ માટે સરકાર અને ઉદ્યોગજગત વચ્ચે સહયોગની અપેક્ષા દર્શાવી.
આ વાર્ષિક બેઠકમાં રાજ્યના ઔદ્યોગિક વિકાસની વિવિધ યોજનાઓ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઉદ્યોગોની સમસ્યાઓના ઉકેલ જેવા મુદ્દાઓ પર પણ વિશદ ચર્ચા કરવામાં આવી હતી.









