
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર એવા વઘઈ ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોના ઉત્કર્ષ અને ઉત્થાન માટે હંમેશા કાર્યક્રમનું આયોજન કરતું રહે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ઇન્ચાર્જ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા શ્રી હર્ષદ પ્રજાપતિ ના માર્ગદર્શનથી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સ્ટાફ દ્વારા તા. ૧૬/૦૮/૨૦૨૫ થી ૨૨/૦૮/૨૦૨૫ દરિમયાન “ગાજર ઘાસ જાગૃતિ સપ્તાહ” નું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વઘઈ ખાતે ઉજવાયેલ “ગાજર ઘાસ (Parthenium Weed) જાગૃતિ સપ્તાહ” માં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ગાજર ઘાસની પ્રાથમિક માહિતી, ગાજર ઘાસની ખાસિયતો, ગાજર ઘાસની માનવ તેમજ પશુ સ્વાસ્થ્ય પર થતી નકારાત્મક અસરો અને ગાજર ઘાસનું નિયંત્રણ માટે લેવાના થતા પગલાં બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમની સાથે સાથે બાગાયત વિષયમાં “આંબા પાકની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ” ઉપર તાલીમ પણ ગોઠવવામાં આવી હતી. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ના પાંચ સિદ્ધાંતો વિશેની બહોળી સમજણ વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા આપવામાં આવી હતી. આ જાગૃતિ સપ્તાહ દરમિયાન 100 થી વધુ ખેડૂતોને ગાજર ઘાસ ની માહિતી આપવામાં આવી હતી અને ખેડૂતોએ પણ ગાજર ઘાસ નાબૂદી અભિયાનમાં પૂરતો સાથ સહકાર આપવાનો સંકલ્પ કર્યો હતો.





