ઈન્સ્ટાગ્રામ પર ખોટી જાહેરાત આપી છેંરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ અને ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમની ટીમને બાતમી મળી હતી કે, ભાડાના એક મકાનમાં રહેતા સાતથી આઠ શખ્સો સાયબર ફ્રોડ કરી રહ્યા છે..આ માહિતીના આધારે પોલીસે રેડ કરી હતી. એ દરમિયાન, મકાનમાં સાત શખ્સો હતા. તેઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આરોપીઓ ઓનલાઈન ગેમ રમવાના કોઈન સસ્તા આપવાની લાલચે લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા.આ ગુનામાં સામેલ સાત આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે, તેમની પાસેથી 13 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે..એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સાયબર કરવા માટે આરોપીઓ કેવી રીતે લોકોને જાળમાં ફસાવતા અને રૂપિયા પડાવતા હતા..હવે તેના વિશે વાત કરીએ. અનેક લોકો ઓનલાઈન ગેમ રમતા હોય છે. ઓનલાઈન ગેમ રમવા માટે સ્ટેપ બાય સ્ટેપ કોઈન્સની જરૂર પડે છે. ગેમ રમવા માટેના કોઈન સસ્તા ભાવે આપવાની જાહેરાત સોશિયલ મીડિયામાં આરોપીઓ મૂકતા હતા. આ વાંચી જે લોકો આરોપીઓનો સંપર્ક કરે તેને શરૂઆતમાં ઓછા ભાવે કોઈન આપતા હતા. એક-બે વાર ઓછા ભાવે કોઈન્સ આપ્યા બાદ ખરીદનારને વધુ લાલચ આપતા હતા. આરોપીઓની જાળમાં પૂરી રીતે ફસાયેલો વ્યક્તિ વધુ કોઈન્સ ખરીદવા મોટુ પેમેન્ટ કરે. એ પછી, આરોપી તેનો નંબર બ્લોક કરી દેતા અને મોબાઈલ સ્વીચ ઓફ કરી દેતા હતા. ત્યારબાદ નવા શિકારને શોધી રૂપિયા પડાવવાનો ખેલ ખેલતા હતા.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એક જ રૂમ ભાડે રાખી ભેગા રહેતા હતા. રૂમમાં બેઠા-બેઠા માત્ર ગુજરાત જ નહીં દેશભરના લોકો સાથે ફ્રોડ કરતા હતા. ગેમ રમવાના કોઈનની લાલચ આપી અત્યારસુધી આ ટોળકીએ 21થી વધુ રાજ્યોના 50થી વધુ લોકોને છેતરપિંડીનો શિકાર બનાવ્યાનું સામે આવ્યું છે. લોકો પાસેથી પડાવેલા રૂપિયા જમા કરાવવા માટે આરોપીઓએ અલગ-અલગ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા.. આરોપીઓના 25 બેંક ખાતા હતા. તેમાં અત્યારસુધીમાં 2 કરોડ 11 લાખ રૂપિા જમા થયા છે. પોલીસે એ તમામ ખાતા સીઝ કરી દીધા છે. આરોપીઓ પાસેથી બેંકની 40 પાસબુક, 88 ડેબિટ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે.
પકડાયેલા તમામ યુવકો કોલેજમાં અભ્યાસ કરે છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે આરોપીઓ ફ્રોડ કરતા હતા. ફ્રોડના રૂપિયા મોજશોખમાં વાપરતા હતા. પોલીસના કહેવા મુજબ ફ્રોડ કરી મળેલી રકમમાંથી આરોપીઓએ મોંઘી-મોંઘી બાઈક ખરીદી હતી. મોંઘા કપડા-શૂઝ ખરીદતા હતા. મોટી મોટી હોટલમાં જમવા જતા હતા. એટલું જ નહીં વિદેશ પણ ફરી આવતા હતા.
બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમ 2 કરોડથી વધુની જોવા મળી છે. તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે, આ ટોળકીનો ભોગ બનનારા માત્ર 50 લોકો જ નહીં હોય બીજા ઘણા લોકો હશે. આરોપીઓએ અત્યારસુધી કયા-કયા રાજ્યોમાં કેટલા લોકો પાસેથી કેટલી છેતરપિંડી કરી છે. એ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.



