BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ઘટક-૧ની આંગણવાડીઓમાં ‘બાળ દિવસ’ ની ઉજવણી કરાઈ

18 ફેબ્રુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા

આઈ.સી.ડી.એસ. ઘટક પાલનપુર-૧ની તમામ આંગણવાડી કેન્દ્રોમાં ‘બાળ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારની ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦’ અંતર્ગત ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસને અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ બાબતને ધ્યાને રાખી, આંગણવાડીમાં આવતા ભૂલકાઓનું સતત અવલોકન કરી તેમના વિકાસની નોંધ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ‘અગમ’ (AGAM) એપ તેમજ ‘મારી વિકાસયાત્રા’ પુસ્તિકામાં નિયમિતપણે લેવામાં આવે છે. આ પ્રક્રિયા મુજબ જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બર માસમાં બાળકોની પ્રગતિની નોંધણી કરવામાં આવે છે.આ કાર્યક્રમ દરમિયાન જાન્યુઆરી માસમાં કરાયેલા અવલોકનના આધારે તૈયાર થયેલ ‘મારી વિકાસયાત્રા’ રિપોર્ટ કાર્ડ તમામ વાલીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યકર બહેનો દ્વારા વાલીઓને બાળકોના સર્વાંગી વિકાસના વિવિધ પાસાઓ વિશે વિગતવાર માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિશેષ આકર્ષણ રૂપે, આ કાર્યક્રમમાં ફેબ્રુઆરી માસમાં જન્મેલા બાળકોના જન્મદિવસની સામૂહિક ઉજવણી પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે સી.ડી.પી.ઓ. શ્રીમતી ડિમ્પલબેન પંચાલ, તમામ સુપરવાઈઝર બહેનો, ડિસ્ટ્રિક્ટ પી.એસ.સી. રોહિતભાઈ સેવક, બ્લોક પી.એસ.સી. સ્મિતાબેન વણકર તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી બાળકોના પ્રોત્સાહનમાં વધારો કર્યો હતો અને સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!