ભરૂચમાં કિન્નર સમાજના અખાડે બહુચર માતાજીના પ્રાગટય દિવસે ભવ્ય આનંદનો ગરબો યોજાયો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં આવેલા કિન્નર સમાજના અખાડે માગશર બીજના દિવસે બહુચર માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી.જેમાં આસપાસના લોકોએ મોટી સંખ્યામાં ઉમટી પડી માતાજીના ગરબે ઘૂમી રસ પુરી સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી.
માગશર મહિનાની બીજને બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે,માતાજીના ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માટે માતાજી પ્રગટ થયા હતા.વલ્લભ ભટ્ટની કસોટી કરવા તેમના જ્ઞાતિબંધુ ઓએ તેમને જમાડવા માટેની માગ કરી હતી. જેથી વલ્લભ ભટ્ટ તે માટે તૈયાર થઈને સૌને જમાડવા તૈયાર થઈ ગયા હતા.જોકે જ્ઞાતિબંધુઓએ શિયાળામાં કેરીના રસની માગ કરી હતી.જેથી મૂંઝવણ મુકાયેલા વલ્લભ ભટ્ટે બહુચર માતાની આરાધના કરી હતી.જેથી ભક્તની પ્રાર્થના સ્વીકારી બહુચર માતાએ વલ્લભ ભટ્ટનું રૂપ લઈ તેમની જ્ઞાતિના લોકોને ભર શિયાળે કેરીનો રસ અને રોટલી જમાડી હતી.જેથી માગશર બીજના દિવસને બહુચર માતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ માગશર બીજના દિવસે વેજલપુર ખાતે આવેલા કિન્નરો સમાજના અખાડે પ્રમુખ કોકિલાકુંવર રમીલાકુંવર દ્વારા દર વર્ષે બહુચર માતાજી નો ભવ્ય આનંદનો ગરબો રાખવામાં આવે છે. ગતરોજ પણ તેનું ભવ્ય આયોજન કરાયુ હતું.જેમાં આસપાસ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી માતાજી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.આ સાથે અહીંયા પણ માતાજીના પ્રાગટ્ય દિવસે કેરીના રસ સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી.આ સમયે નર્મદા પરિક્રમાવાસીઓને પ્રસાદી જમાડી સાલ આપીએ સન્માન કરાયુ હતું.




