
તા.૨૭.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ચોસાલા અને વણભોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે કરાયું લોકાર્પણ
રાજ્યના તમામ નાગરિકો સુધી શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ : મંત્રી રમેશભાઈ કટારા દાહોદ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ચોસાલા તથા વણભોરી ખાતે નવ નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મકાનોનો લોકાર્પણ કાર્યક્રમ રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન, સહકાર તથા ગૌ સંવર્ધન મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, ચોસાલા અને વણભોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શરૂ થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને ઘરઆંગણે જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે સાથે રાજ્યના તમામ નાગરિકો સુધી શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પહોંચે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, જેના પરિણામે ગુજરાતમાં મજબૂત આરોગ્ય માળખું વિકસ્યું છે. આયુષ્માન ભારત યોજના દ્વારા લાખો જરૂરિયાતમંદ દર્દીઓને ગંભીર બીમારીઓની સારવાર મળતા તેમના પરિવાર પરનું આર્થિક બોજ ઘટ્યું છે.ચોસાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ અંદાજિત રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. જેનાથી ચોસાલા, ઉકરડી, ઉષરવણ અને સાંકરદા એમ કુલ ૪ ગામોની આશરે ૨૨ હજાર વસ્તીને લાભ મળશે. જ્યારે વણભોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ રૂ. ૧.૪૫ કરોડના ખર્ચે થયું છે, જેનાથી વણભોરી, ભંભોરી, મંડાવાવ, ડુંગરપુર, તરવાડીયા હિંમત, તરવાડીયા વજા તથા તરવાડીયા ભાવ એમ કુલ ૭ ગામોની અંદાજિત ૨૫ હજાર વસ્તીને આરોગ્ય સુવિધાઓનો લાભ મળશે.કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતે સ્વાગત પ્રવચન કર્યું હતું.આ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી સ્મિથ લોઢા, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, પૂર્વ ધારાસભ્ય વજેસિંહ પણદા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત સહિત જિલ્લા સ્તરના અધિકારીઓ, આગેવાનો, પધાધિકારીઓ સરપંચઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા




