ફોર્મ–૭ના કથિત દુરુપયોગ મુદ્દે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીની કડક માંગ


છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી ખાસ રજૂઆત કરતા જણાવવામાં આવ્યું છે કે, હાલ ગુજરાત રાજ્યમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત બી.એલ.ઓ. (BLO) અધિકારીઓ દ્વારા મતદારોના ઘરે ઘરે રૂબરૂ જઈને હયાત તથા સાચા મતદારોની ઓળખ કરી, સંપૂર્ણ જવાબદારી અને પારદર્શકતા સાથે નવીન મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી.આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રાજ્યભરની નવીન સુધારેલી મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી.પરંતુ ત્યારબાદ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના શીર્ષ નેતૃત્વને મળેલી ચોક્કસ અને વિશ્વસનીય માહિતી અનુસાર, રાજ્યના શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા બોગસ અરજદારો ઊભા કરીને ભાજપ વિરોધી તથા વિરોધ પક્ષના સમર્થકો એવા મતદારોના નામો નવીન સુધારેલી મતદાર યાદીમાંથી હટાવવા અથવા રદ કરાવવા માટે ફોર્મ નં. ૭ નો સમગ્ર રાજ્યમાં વ્યાપક દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ રીતે અંદાજે ૯ લાખ ૫૯ હજાર મતદારોના નામો રદ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી ઇસુદાનભાઈ ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આક્ષેપો સાથે પુરાવાઓ પણ જાહેર કરવામાં આવ્યા હતા.આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે, જે તે મતદારોની જાણ બહાર બોગસ અરજદારો દ્વારા ફોર્મ નં. ૭નો ઉપયોગ કરી, ભાજપની છુપી અને સંસદીય લોકશાહીના મૂલ્યો વિરુદ્ધની નાપાક યોજના હેઠળ મતાધિકાર છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે લોકતંત્ર માટે અત્યંત ખતરનાક છે.આ સંદર્ભમાં છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા ચૂંટણી તંત્ર સમક્ષ નીચે મુજબની માંગણીઓ રજૂ કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લામાં નવીન સુધારેલી મતદાર યાદીમાંથી કેટલા મતદારોએ ફોર્મ નં. ૭ મારફતે પોતાના નામો હટાવવા માટે અરજી કરી છે તેની વિસ્તૃત અને વિસ્તારવાર માહિતી આમ આદમી પાર્ટીને આપવામાં આવે.નવીન સુધારેલી મતદાર યાદીમાંથી કોઈપણ હયાત અને સાચા મતદારનું નામ કોઈ પણ સંજોગોમાં રદ ન થાય અને તેમનો મતાધિકાર સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવે. જો ફોર્મ નં. ૭ના દુરુપયોગની બાબત તપાસમાં સાબિત થાય, તો તેમાં સંડોવાયેલા જવાબદાર અધિકારીઓ કે અન્ય વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સમગ્ર પ્રક્રિયાની સૂક્ષ્મ, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરીને લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવવામાં આવે.આ તમામ માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સદર આવેદનપત્ર જિલ્લા ચૂંટણી તંત્રને સુપરત કરવામાં આવ્યું છે.
રિપોર્ટર : તોસીફ ખત્રી





