Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાની હેઠળ ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ને વધાવતાં જસદણના શહેરીજનો

તા.૨૦/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મંત્રીશ્રીએ સામાન્ય ધંધાર્થીના આગ્રહને માન આપીને નારીયેળ પાણી પીધું : યાત્રિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય અર્થે જનરક્ષક વાહન અને ધન્વંતરી રથ સતત કાર્યરત
Rajkot: ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજ્યના લોકોની સમૃદ્ધિ, સુખાકારી, સામાજીક સમરસ્તા અને આધ્યાત્મિક મૂલ્યોને ઉજાગર કરવાના શુભ આશયથી ઘેલા સોમનાથ મંદિરથી સોમનાથ મંદિર સુધી ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’નું આયોજન કરાયું છે. આ પદયાત્રા ઘેલા સોમનાથ મંદિરથી પ્રસ્થાન કર્યા બાદ માધવીપુર, ગોડલાધાર, ગઢડીયા (જસ)થી જસદણ પહોંચી હતી, જ્યાં શહેરીજનોએ પદયાત્રાને વધાવી હતી.
જસદણમાં મંત્રીશ્રીએ યાત્રા માર્ગમાં આવતા શ્રી વાજ સુરેશ્વર મહાદેવ મંદિર સહિત ધાર્મિક સ્થળો ખાતે દેવદર્શન કર્યા હતાં. શહેરની શેરી-ગલીઓમાં રહીશો, દુકાનદારો અને સામાજિક સંસ્થાઓએ મંત્રીશ્રીનું પુષ્પો અને શાલથી અભિવાદન કર્યું હતું. તેમજ મંત્રીશ્રીએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો હતો. મંત્રીશ્રીએ સામાન્ય ધંધાર્થીના આગ્રહને માન આપીને નારીયેળ પાણી પીધું હતું અને તેની સાથે વાતચીત કરી હતી. નોંધનીય છે કે, યાત્રિકોની સુરક્ષા અર્થે જનરક્ષક વાહન અને સ્વાસ્થ્ય સેવા માટે ધન્વંતરી આરોગ્ય રથ સતત કાર્યરત છે. આમ, ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ ઉત્સાહ સાથે આગળ વધી રહી છે.






