Rajkot: “રક્તદાન કરીને માનવતાની મહેક મહેકાવતા નાગરિકો” રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં કુલ ૧૪૦૦ બોટલ રક્ત એકત્ર થયું
તા.૧૧/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્યો શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા અને શ્રી જયેશભાઈ રાદડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાતે
Rajkot: પ્રવર્તમાન પરિસ્થિતિને અનુસંધાને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ૧૧ તાલુકા મથકોએ તા. ૧૦ મેના રોજ સવારે ૦૯ કલાકથી રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં કુલ ૧૪૦૦ બોટલ રક્ત એકત્ર થયું હતું. આ તકે જસદણ-વીંછિયા પંથકમાં જળસંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, ધોરાજી-ઉપલેટા પંથકમાં ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, જેતપુરમાં ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયા અને રાજકોટમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણીએ બ્લડ કેમ્પની મુલાકાત લઈને રક્તદાન કરતા લોકોને બિરદાવ્યા હતાં.
હાલની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન મુજબ રાજકોટ તાલુકામાં સામુહીક આરોગ્ય કેન્દ્ર – કુવાડવા ખાતે ૧૦૪ બોટલ, પડધરી તાલુકામાં સામુહીક આરોગ્ય કેન્દ્ર – પડધરી ખાતે ૧૩૬ બોટલ, લોધિકા તાલુકામાં સામુહીક આરોગ્ય કેન્દ્ર – લોધિકા ખાતે ૪૮ બોટલ, કોટડાસાંગાણી તાલુકામાં સામુહીક આરોગ્ય કેન્દ્ર – કોટડાસાંગાણી ખાતે ૭૪ બોટલ, જસદણ તાલુકામાં સબ ડિવિઝનલ હોસ્પિટલ – જસદણ ખાતે ૧૩૦ ખાતે, વીંછિયા તાલુકામાં સામુહીક આરોગ્ય કેન્દ્ર – વીંછિયા ખાતે ૧૨૭ બોટલ, ગોંડલ તાલુકામાં સબ ડિવિઝનલ હોસ્પિટલ – ગોંડલ ખાતે સૌથી વધુ ૩૪૯ બોટલ, જેતપુર તાલુકામાં સબ ડિવિઝનલ હોસ્પિટલ – જેતપુર ખાતે ૧૫૧ બોટલ, જામકંડોરણા તાલુકામાં સામુહીક આરોગ્ય કેન્દ્ર – જામકંડોરણા ખાતે ૬૦ બોટલ, ધોરાજી તાલુકામાં સબ ડિવિઝનલ હોસ્પિટલ – ધોરાજી ખાતે ૯૮ બોટલ અને ઉપલેટા તાલુકામાં સબ ડિવિઝનલ હોસ્પિટલ – ઉપલેટા ખાતે ૧૨૩ બોટલ રક્ત એકત્રિત થયું હતું. આમ, રાજકોટ જિલ્લામાં કુલ એક દિવસમાં ૧૪૦૦ બોટલ રક્ત આપીને નાગરિકોએ માનવતાની મહેક મહેકાવી હતી.
ઉલ્લેખનીય છે કે પડધરી અને ધોરાજી તાલુકામાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજની બ્લડ બેન્કે સહયોગ આપ્યો હતો. તેમજ અન્ય નવ તાલુકામાં રેડ ક્રોસ સોસાયટી, સૌરાષ્ટ્ર બ્લડ વોલન્ટરી, લાઇફ બ્લડ સેન્ટર, જીવનદીપ બ્લડ સેન્ટર, આસ્થા બ્લડ વોલન્ટરી, દેવ લાઇફ બ્લડ સેન્ટર અને નાથાણી વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી. જેના માટે દરેક તાલુકાના આરોગ્ય અધિકારી, આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સહિતના આરોગ્ય સ્ટાફે જહેમત ઉઠાવી હતી, તેમ જિલ્લા આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી આર. આર. ફુલમાળીની યાદીમાં જણાવાયું છે.