શહેરા વન વિભાગે બાહી-સાકરિયા ચોકડી પાસેથી ખેરના લાકડા ભરેલી ગાડી ઝડપી રૂપિયા 5.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પ્રતિનિધી ગોધરા તા.19
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા વન વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડા કાપણી અને વહન કરતી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આઈ રહી છે ત્યારે શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.વી. પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે વન વિભાગની ટીમે વોચ ગોઠવી ખેરના લાકડાની હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે.
ઘટનાની વિગત એવી છે કે, શહેરા રેન્જના આર.એફ.ઓ. આર.વી. પટેલને અંગત રાહે બાતમી મળી હતી કે બાહી ગામેથી એક ગાડી ગેરકાયદેસર ખેરના લાકડા ભરીને પસાર થવાની છે. આ બાતમીના આધારે તેમના ખાંડિયા રાઉન્ડ સ્ટાફ અને શહેરા રેન્જ સ્ટાફે સંયુક્ત રીતે સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. પેટ્રોલીંગ દરમિયાન ટીમ બાહીથી સાકરિયા જતા રોડ પર વોચમાં હતી ત્યારે સાકરીયા ચોકડી નજીક બાતમીવાળી ગાડી નંબર GJ-17-T-9215 આવતા તેને શંકાના આધારે અટકાવવામાં આવી હતી.વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર આર.એસ. ચૌહાણ, એસ.બી. માલીવાડ, બીટ ગાર્ડ બી.એન. રાવલ અને વી.એમ. રાઠોડ સહિતના સ્ટાફ દ્વારા ગાડીમાં તપાસ કરતા તેમાંથી લીલા તાજા ખેરના તથા પંચરાઉ લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. આ લાકડા અંગે ડ્રાઈવર પાસે પાસ કે પરમિટ માંગતા તે કોઈ પણ આધાર-પુરાવા રજૂ કરી શક્યો ન હતો. જેથી વન વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી હતી.તંત્ર દ્વારા ગાડી અને ગેરકાયદેસર લાકડા સહિત અંદાજે રૂપિયા 5,20,000 નો મુદ્દામાલ સરકાર હસ્તક કબજે લેવામાં આવ્યો છે અને વાહનને વધુ તપાસ અર્થે શહેરા રેન્જ કમ્પાઉન્ડ ખાતે મૂકવામાં આવ્યો છે.





