શહેરા વન વિભાગે ત્રણ અલગ-અલગ સ્થળેથી ગેરકાયદેસર લાકડા ભરેલી ટ્રકો ઝડપી પાડી ₹૧૩.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

પ્રતિનિધિ ગોધરા તા.26
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા વન વિભાગના પરીક્ષેત્ર વન અધિકારી આર.વી. પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરા વન વિભાગના સ્ટાફ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા ત્રણ ટ્રકો ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રથમ કિસ્સામાં બોડીદ્રાખુર્દ નકોડી ચોકડી પાસે નાકાબંધી દરમિયાન ટ્રક નં GJ 18 U 6471 ને વગર પાસ પરમિટના પંચરાઉં લાકડા સાથે અટકાવી ₹4,50,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં રા.ફો. કે.ડી. ગઢવી અને તેમની ટીમ હાજર હતી. તેવી જ રીતે, હોસેલાવ થી કોઠંબા રોડ પર જાલમ બારીયાના મુવાડા પાસેથી પસાર થતી ટ્રક નં GJ 16 V 4882 ને પણ વગર પરમિટના લાકડા સાથે ઝડપી પાડી ₹4,40,000 નો મુદ્દામાલ કબજે કરાયો હતો, જેમાં શહેરા અને ગુણેલી રાઉન્ડનો સ્ટાફ જોડાયો હતો. ત્રીજી કાર્યવાહીમાં ડેમલી થી આંબાજટી રોડ પર પેટ્રોલિંગ દરમિયાન લીલા તાજા પંચરાઉ લાકડા ભરેલી ટ્રક નં GJ 27 T 7385 ને અટકાવી અંદાજે ₹4,25,000 નો મુદ્દામાલ સરકાર હસ્તક લેવામાં આવ્યો હતો. આમ, વન વિભાગે કુલ ₹13,15,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ અર્થે શહેરા રેન્જ કચેરી ખાતે મૂક્યો છે.




