નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ મેદાન અંગે મીડિયામાં ફેલાવાતા ભ્રામક અહેવાલો અંગે સ્પષ્ટતા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે, અમુક લોકો દ્વારા લુન્સીકુઈ મેદાનના ઉપયોગ અંગે ભ્રામક અને તથ્યવિહીન અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. મેદાનને વ્યાપારી પ્રવૃત્તિઓ માટે ભાડે આપવામાં આવ્યું હોવાના સ્થાનિક એસોસિએશનના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. મહાનગરપાલિકા સ્પષ્ટતા કરવા માંગે છે કે લુન્સીકુઈ મેદાનને હાલમાં કોઈ કોમર્શિયલ આવક ઊભી કરવા માટે ભાડે આપવામાં આવ્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈને આ હેતુ માટે આપવામાં આવશે નહીં. આ મેદાન હંમેશા રમતવીરો અને શહેરના નાગરિકોની સુવિધા માટે જ સમર્પિત છે અને રહેશે.હાલમાં મેદાન પર જે પ્રવૃત્તિ ચાલી રહી છે, તે કોઈ ખાનગી વ્યાપારી મેળો નથી, પરંતુ સરકારશ્રી દ્વારા આયોજિત સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો એક સરાહનીય પ્રયાસ છે. આગામી ૧૦ દિવસ માટે અહીં હેન્ડલૂમ પ્રોડક્ટ્સ, સખી મંડળની મહેનતુ બહેનો તથા ખેડૂત મિત્રો દ્વારા તૈયાર કરાયેલ ચીજવસ્તુઓના વેચાણ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો, ખેડૂતો અને મહિલાઓને રોજગારી તથા પ્રોત્સાહન પૂરું પાડવાનો છે, નહિ કે મહાનગરપાલિકા માટે કોઈ આર્થિક નફો કમાવવાનો , લુન્સીકુઈ મેદાનને રોડ લેવલ જેટલું પુરાણ કરી રમતવીરો માટે એક આધુનિક ‘સિંથેટિક ટ્રેક’ બનાવવાની કામગીરી હાલમાં ચાલુ જ છે અને તેને સત્વરે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.આ પ્રોજેક્ટ રમતગમતના વિકાસ માટે ખૂબ જ મહત્વકાંક્ષી છે અને આ જ તૈયારીના ભાગરૂપે ગ્રાઉન્ડની બાકીની જગ્યામાં માટી પુરાણનું કામ પણ જારી છે. સિંથેટિક ટ્રેકનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આ મેદાન સ્થાનિક રમતવીરો માટે વધુ સક્ષમ અને અત્યાધુનિક રીતે ઉપયોગી બની શકશે, જે રમતગમત ક્ષેત્રે નવસારીને એક નવી ઓળખ અપાવશે તે મહાનગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. સ્થાનિક રમતગમત સંગઠનોની રજૂઆતો પ્રત્યે મહાનગરપાલિકા પહેલેથી જ સંવેદનશીલ છે. ખેલાડીઓને પ્રેક્ટિસમાં કોઈ અડચણ ન પડે તે માટે લુન્સીકુઈ મેદાનની વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ‘છાપરા ક્રિકેટ મેદાન’ અને જલાલપોરનું ‘મોહણીયા ક્રિકેટ ગ્રાઉન્ડ’ મહાનગરપાલિકા દ્વારા પહેલેથી જ ફાળવી દેવામાં આવ્યા છે. આ વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કર્યા બાદ જ લુન્સીકુઈ મેદાનમાં માટી પુરાણની કામગીરી આગળ ધપાવવામાં આવી હતી. તેથી અમુક લોકો દ્વારા કરવામાં આવતો વિરોધ અને ફેલાવાતી વાતો વાસ્તવિકતાથી વેગળી છે. મહાનગરપાલિકા રમતવીરોના હિત માટે હંમેશા કટિબદ્ધ છે અને નાગરિકોને આવી ભ્રામક અફવાઓથી દૂર રહેવા અપીલ કરે છે.




