
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ટેટ-1 ના ઉમેદવારો સાથે અન્યાયની પરાકાષ્ઠા : તજજ્ઞોની ગૂંચવણમાં ઉમેદવારો મૂંઝવણમાં
મુંદરા,તા.16: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ-1 પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં થઈ રહેલો અસહ્ય વિલંબ હવે ઉમેદવારોના ધૈર્યની કસોટી કરી રહ્યો છે. પ્રોવિઝનલ આન્સર કી પર વાંધા અરજીઓ મંગાવ્યાને 16 દિવસ વીતી ગયા હોવા છતાં બોર્ડ મૌન સેવીને બેઠું છે. યુ ટ્યુબ પર દરરોજ હજારો ઉમેદવારો નવી આન્સર કીની આશાએ અવનવા વીડિયો જોઈ રહ્યા છે પણ તંત્રની નિષ્ક્રિયતાને કારણે માત્ર નિરાશા જ સાંપડી રહી છે. સવાલ એ થાય છે કે જે પ્રશ્નોના ઉત્તરો નક્કી કરવામાં સરકારી તજજ્ઞોને 2 અઠવાડિયા ટૂંકા પડે છે તે ભૂલભરેલા પ્રશ્નો સામે પરીક્ષાખંડમાં 2 કલાક લડનાર ઉમેદવારોનો શું વાંક?
જો 15 દિવસમાં પણ ફાઈનલ આન્સર કી તૈયાર ન થઈ શકતી હોય તો એ સ્પષ્ટ છે કે પ્રશ્નપત્રમાં અનેક જવાબોમાં વિસંગતતા છે. તજજ્ઞોની આ લાંબી મૂંઝવણ જ સાબિત કરે છે કે પ્રશ્નપત્ર કાઢવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. આ સંજોગોમાં ઉમેદવારોને તેમના હક્કના ‘ગ્રેસિંગ માર્ક’ આપવા તે નૈતિક રીતે અનિવાર્ય છે.
રાજ્યમાં ધોરણ 1 થી 5 માં હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જો ટેટ-1 નું પાસિંગ ધોરણ ઘટાડીને 50% કરવામાં આવે અથવા યોગ્ય ગ્રેસિંગ આપવામાં આવે તો મોટી સંખ્યામાં ઉમેદવારો ક્વોલિફાય થઈ શકે. ભલે આ ઉમેદવારો કાયમી ભરતીના ઊંચા મેરિટમાં ન આવી શકે પરંતુ તેઓ ‘જ્ઞાન સહાયક’ તરીકે શાળાઓમાં સેવા આપીને શિક્ષણનું સ્તર સુધારી શકે છે. જો સરકાર મેરિટમાં છૂટછાટ નહીં આપે તો જ્ઞાન સહાયકની ભરતીમાં પણ પૂરતા ઉમેદવારો નહીં મળે અને અંતે નુકસાન તો સરકારી શાળામાં ભણતા ગરીબ બાળકોને જ થશે.
પરીક્ષા બોર્ડના તજજ્ઞો જે સમય લઈ રહ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે પ્રશ્નપત્રમાં ક્ષતિઓ છે માટે તમામ વિવાદાસ્પદ પ્રશ્નોમાં ગ્રેસિંગ માર્ક આપી ત્વરિત ફાઈનલ આન્સર કી જાહેર કરવી જોઈએ. શિક્ષણમંત્રીશ્રી આ બાબતે દખલ કરે અને પાસિંગ ધોરણમાં રાહત આપી ‘જ્ઞાન સહાયક’ તરીકે સેવા આપવા ઈચ્છતા હજારો યુવાનોના માર્ગ મોકળો કરે તેવી રાજ્યભરના ઉમેદવારો અને વાલીઓની માંગ છે. જો તંત્ર હજુ પણ વિલંબ કરશે તો તે પાયાના શિક્ષણને નબળું પાડવાનું પાપ ગણાશે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



