BANASKANTHAPATAN VERAVAL

અંબાજી ખાતે સેવાકેમ્પોના આયોજકો સાથે બેઠક યોજાઈ

માઈભક્તોની સુખાકારી માટે તથા સુખદ પદયાત્રા માટે વિવિધ વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરાશે

(માહિતી બ્યુરો,પાલનપુર)

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તારીખ ૧૨/૦૯/૨૦૨૪થી ૧૮/૦૯/૨૦૨૪ દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળામાં લાખો પદયાત્રીઓ મા જગદંબાના દર્શનાર્થે પધારનાર છે. માઈભક્તો માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવા સંગઠનો દ્વારા માઈભક્તોની સુખાકારી માટે તથા સુખદ પદયાત્રા માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે.

જે અંતર્ગત આગામી ભાદરવી પૂનમ મહામેળા અન્વયે તમામ સેવાકેમ્પો સાથે સંકલન સધાય તે હેતુથી આજ રોજ તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૪ના રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેયરમેન શ્રી વરૂણકુમાર બરનવાલ (આઈ.એ.એસ.)ના અધ્યક્ષસ્થાને કાળીદાસ મિસ્ત્રી ભવન  અંબાજી ખાતે સેવાકેમ્પના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી.

જેમાં તમામ સેવાકેમ્પોમાં સુચારુ વ્યવસ્થા થઈ શકે તથા એકસૂત્રતા જળવાય તે હેતુથી યોજાયેલ બેઠકમાં સેવાકેમ્પોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. મેળામાં સેવાકેમ્પોના બાંધકામ બાબત, હંગામી વીજ કનેક્શન, ફાયર સેફ્ટી, સી.સી.ટી.વી કેમેરા, પ્રકૃતિની જાળવણી જેવી અનેક બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી તા.૦૫/૦૮/૨૦૨૪ થી સેવાકેમ્પોનું મંદિર ટ્રસ્ટની ઓફિસિયલ વેબસાઈટ www.ambajitemple.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થશે.

મિટિંગમાં જિલ્લા પોલીસ વડાશ્રી અક્ષયરાજ મકવાણાએ સલામતી, સુરક્ષા, પબ્લિક મેનેજમેન્ટ જેવી અત્યંત અગત્યની બાબતો ઉપર ભાર મૂકી જરૂરી સુચન કર્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદી દ્વારા ભાદરવી પૂનમ મહામેળાના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. મીટીંગમાં સેવા કેમ્પોના આયોજકો, પ્રતિનિધિઓ તથા મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહયા હતા.

Back to top button
error: Content is protected !!