Rajkot: સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે જવાનોના લાભાર્થે ભંડોળ આપવા નાગરિકોને અપીલ કરતા કલેકટરશ્રી પ્રભવ જોશી

તા.૧૮/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
સાતમી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી નિમિત્તે મોદી સ્કૂલે રૂ. ર લાખ તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, રાજકોટે રૂ.૯૧ હજારનો ફાળો આપ્યો
Rajkot: દેશમાં દર વર્ષ ૭મી ડિસેમ્બરે “સશસ્ત્ર સેના ધ્વજ દિન” ઉજવવામા આવે છે. દેશની સુરક્ષા માટે પોતાનુ જીવન સમર્પિત કરનારા વીર સૈનિકો અને તેઓના પરિવારજનોનુ આ દિવસે અભિવાદન કરવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ કલેકટર કચેરી ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે ફાળો એકત્ર કરવા જિલ્લાના અધિકારીશ્રીઓને અપીલ કરી હતી.
આ અવસરે સેવારત અને નિવૃત સૈનિકો તેમજ તેમના પરિવાર માટે ભંડોળ એકત્ર કરવાની સાથે પોતાનું યોગદાન આપનાર જવાનોને પ્રમાણપત્ર પાઠવી સન્માનિત પણ કરાયા હતા.
સેવારત, નિવૃત્ત સૈનિકો તેમજ સૈનિક પરિવારો માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપે ભંડોળ આપવા જિલ્લા કલેકટરશ્રીએ રાજકોટ જિલ્લાવાસીઓને પણ આ તકે અપીલ કરી હતી.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, મેયર શ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રીઓ દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા સહિત મહાનુભાવો તેમ જ અધિકારીઓએ સશસ્ત્ર સેનાના જવાનો અને તેમના પરિજનોને સન્માનિત કર્યા હતા.
આ દિવસે નાગરિકો, સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, ઓધ્યોગિક એકમો, ખાનગી ક્ષેત્રો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી દાન સ્વરૂપે ભંડોળ એકત્રીત કરવામાં આવે છે અને આ એકત્રિત થયેલ ભંડોળ માભોમની રક્ષા કાજે દેશની સરહદો ખાતે રાત દિવસ ખડે પગે વિષમ પરિસ્થિતિમાં ખડે પગે દેશનું રક્ષણ કરતા આપણા વીર જવાનો, શહીદ જવાનોના પરિવારજનો, ઘવાયેલા સૈનિકો, સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓ, તેઓના આશ્રિતો તથા પૂર્વ સૈનિકોની કલ્યાણકારી કામગીરી અર્થે ઉપયોગમાં લેવામાં આવે છે.
સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળાની અકત્રીત થયેલ રકમ કલેક્ટરશ્રી અને પ્રમુખશ્રી, એએફએફડી ફંડ એકાઉન્ટ, રાજકોટના નામનો ડ્રાફટ/ચેક તા.૧૫/૦૩/૨૦૨૫ પહેલા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી c/o માજી સૈનિક આરામ ગૃહ પોલીસ હેડ કવાર્ટરની સામે રાજકોટ મોકલી આપવા જણાવ્યું છે. અથવા “કલેક્ટર અને પ્રમુખશ્રી, એએફએફડી ફંડ, રાજકોટના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતા નંબર ૩૩૮૧૪૩૩૧૫૫૮ રેસકોર્ષ રોડ બ્રાંચ રાજકોટ (IFSC Code: SBIN0060292) માં સીધા કોર બેંકીંગ/નેટ બેંકીંગ/પેટીએમ/ગૂગલ પે/ભીમ એપ દ્વારા પણ જમા કરાવી અને તેમના પરિવારો માટે આર્થિક સહયોગ કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.





